રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા
વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો
ફેબ્રુઆરી મહિનામાં હાડ કંપાવતી
ઠંડી અનુભવાશે, માર્ચ મહિના સુધી હવામાનમાં વારંવાર ફેરફાર થતો રહેશે
અમદાવાદ, તા.18 : રાજ્યમાં કેટલાક
વિસ્તારોમાં વાદળછાયા વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે જાન્યુઆરી
મહિનાના અંત સુધી રાજ્યમાં ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી
શકે છે. તા. 18, 19 અને 20 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ
વધુ રહેશે. એટલું જ નહીં માર્ચ મહિના સુધી હવામાનમાં વારંવાર ફેરફાર થતો રહેશે અને
ફેબ્રુઆરી મહિનામાં હાડ કંપાવતી ઠંડી અનુભવાશે.
આગાહી મુજબ પાલનપુર અને આબુ વિસ્તારમાં
કડકડતી ઠંડી અનુભવાશે. ઠંડીની સાથે સવારના સમયે ધુમ્મસનું પ્રમાણ પણ વધશે, જેના કારણે
વાહનવ્યવહાર ઉપર અસર પડી શકે છે. 22 જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા
મળશે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત
પર પડશે. તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં
કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદની
શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે
છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ નોંધાઈ શકે છે.
22થી 26 જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે, જેમાં ખાસ કરીને 23 અને 24 જાન્યુઆરીએ
તેની અસર વધુ જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરિત અસર થવાની શક્યતા
છે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે. જોકે, 25 જાન્યુઆરી બાદ ઠંડી ધીમે-ધીમે
ઓસરવાની શરૂઆત થશે. ત્યાર બાદ જ્યારે પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે, ત્યારે ફરીથી ઠંડીમાં
વધારો થવાની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી
ઠંડી પડી શકે છે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવી શકે છે.
અમરેલી
જિલ્લામાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં
ભારે ઘટાડો થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. અમરેલીના ઠેબી ડેમ ઉપર કાશ્મીર
જેવો આહ્લાદક વાતાવરણ જોવા મળ્યું હતું. સોરઠમાં કાતિલ ઠંડીના મોજા બાદ ઠારનું આવરણ
છવાતા સર્વત્ર ઠંડાગાર છવાયો છે. ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતુ
અને 14 કી.મી.ની ઝડપે પવન ફુંકાતા વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું હતું.