ખેડૂતોની માગ મુજબ ખેતરમાંથી
વીજપોલ માટેનો સામાન ઉપાડી લેવાની તૈયારી દર્શાવતા રસ્તો ખોલી આપ્યો
મોરબી,તા.18 : માળિયા મીંયાણાના
રાયસંગપર ગામ પાસે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે વીજ પોલ ઉભા કરવા માટેની
કામગીરી હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. 765 કેવીની લાઇનના
વીજ પોલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે જે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં
આવે છે અને જે ખેડૂતોના ખેતરમાંથી વીજ વાયરનો કોરિડોર નીકળી રહ્યો છે તેમને ખાનગી કંપની
તરફથી શું વળતર આપવામાં આવશે ? ક્યારે વળતર આપવામાં આવશે ? તે બાબતે કોઈ પ્રકારની સ્પષ્ટતા
કરવામાં આવી નથી. હાલમાં કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ત્યાં વીજ પોલ ઉભા કરવા માટેની
કામગીરી ચાલી રહી હોવાના વિરોધમાં ખેડૂતોએ શનિવારે બપોરે કામ બંધ કરાવ્યું હતું અને
વળતર આપ્યું ન હોવાથી વીજ પોલનો માલ ખેતરમાંથી કોન્ટ્રાક્ટર ઉપાડી જાય તેવી માગ કરી હતી.
શનિવારે મોડી સાંજ સુધી વીજ પોલ
ઊભા કરવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા તેનો માલ સામાન ત્યાંથી ઉપાડવામાં આવ્યો
ન હોવાથી રાયસંગપરના અસરગ્રસ્ત ખેડૂતોએ રાયસંગપર પાસે શનિવારે રાત્રીના કંડલા-જામનગર
હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ કરવામાં આવતા વાહનોના થપ્પા
લાગી ગયા હતા. બાદમાં વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર, અધિકારી
અને માણસો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખેડૂતોની માગ મુજબ ખેતરમાંથી વીજપોલ માટેનો
માલ સામાન ઉપાડી લેવા માટેની તૈયારી દર્શાવતા ખેડૂતોએ બંધ કરેલો રસ્તો ખોલી આપ્યો હતો.