• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

‘આપ’ના ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું

 જેલવાસ દરમિયાન પાર્ટીના અગ્રણી નેતાઓએ સહયોગ ન આપ્યાનું સહિચના આંતરિક મતભેદો

રાજકોટ, સુરેન્દ્રનગર, તા.11 :  સુરેન્દ્રનગર જિલ્લાના લડાયક ખેડૂત નેતા તથા આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુભાઈ કરપડાએ આજે અચાનક પક્ષમાં તમામ પદેથી પોતાનું રાજીનામું આપી દેતા જિલ્લા તથા રાજ્યમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.  રાજીનામાં પાછળ ક્યાંકને ક્યાંક પાર્ટીના આંતરિક મતભેદો કારણભૂત હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

ગુજરાત ખાતેના આમ આદમી પાર્ટીના કિશાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષપદે રહેલા રાજુ કરપડાએ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વ્યક્તિગત કારણોને લઈને મારે વર્તમાન જવાબદારીઓ નિભાવવી શક્ય નથી. મને જે તક, સન્માન અને સહયોગ પાર્ટીએ આપ્યો છે તેના માટે હું હૃદયથી આભારી છું. કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દૂધઈ ગામના વતની છે. તેઓ સૌપ્રથમ વખત એ સમયે લાઈમલાઈટમાં આવ્યાં હતાં જ્યારે તેમણે પાક વીમાની એક કંપની સામે ખ્ડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કરપડાએ બોટાદ ખેડૂત આંદોલનનું નેતૃત્વ હાથમાં લીધું હતું, હડદડ ગામે કડદા પ્રથાના વિરોધમાં 

તેઓ જેલમાં પણ ગયાં હતાં. ગોપાલ ઇટાલીયાને જીતાડવા માટે કરપડાએ વિસાવદરમાં દોઢ મહિનો ધામા નાખ્યાં હતાં.

સૂત્રોના જણાવ્યાનુસાર કરપડા 3 મહિના સુધી જેલમાં રહ્યાં બાદ બહાર આવ્યાં હતાં પરંતુ એ સમય દરમિયાન કોઈપણ પ્રકારની મદદ કે સહયોગ પાર્ટીના આગેવાનો દ્વારા મળ્યો ન હતો જેની પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને હવે તેઓના રાજીનામાની વાત ચોંકાવનારી અને આશ્ચર્યજનક છે. આવનાર સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ પણ હાલ જોવામાં આવી રહી છે.

ભાજપના દબાણને વશ થઈને કરપડાએ રાજીનામું આપ્યું હોઈ શકે : ઈસુદાન

રાજકોટ, તા.11 : કરપડાના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતાં ‘આપ’ના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ફૂલછાબને જણાવ્યું હતું કે, રાજુભાઈ ખેડૂતનેતા તરીકે ઉભરી આવ્યાં હતાં. કડદા પ્રથા બંધ કરાવવામાં તેમની સક્રિય ભૂમિકા રહી હતી. આમ આદમી પાર્ટી અને રાજ્યના ખેડૂતો તેમનું ઘણુ સન્માન કરે છે પરંતુ તેઓએ કયા કારણોસર રાજીનામું આપ્યું તે સામે આવ્યું નથી તેમની કોઈને કોઈ મજબૂરી રહી હશે. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ તો ભાજપ છે, ભાજપની સામે લડવું અને ટકી રહેવું ખૂબ જ કઠીન છે. ભાજપે કોઈને કોઈ રીતે આમ આદમી પાર્ટીને ડેમેજ તેમજ અમારા નેતાઓને તોડવાના પ્રયાસ કરે છે. ક્યાંકને ક્યાંક ભાજપના દબાણવશ થઈને તેઓએ રાજીનામું આપ્યું હોવાની શક્યતાને નકારી શકાતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક