રાજકોટ, તા.10 (ફૂલછાબ ન્યૂઝ) : વિશ્વભરમાં ખોરવાઇ રહેલા ક્રૂડ તેલના પુરવઠાને લીધે ભારેખમ તેજી પછી હવે અતિશય અફડાતફડી ભાવમાં થઇ રહી છે. ક્રૂડને લીધે પેટ્રોલિયમ અને તેના પર આધારિત તમામ પ્રોડક્ટસના ભાવ અગાઉ ધીરે ધીરે વધતા હતા પણ હવે તીવ્રતાથી વધતા જાય છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ ગણાતા તમામ પ્રકારના પ્લાસ્ટિકના ભાવમાં 40 ટકા સુધીનો ભાવવધારો પાછલા દસ દિવસમાં થઇ ગયો છે. તેના પરિણામે પ્લાસ્ટિક પર આધારિત બધા જ ઉદ્યોગોને માઠી અસર થઇ રહી છે. સૌરાષ્ટ્રમાં કિચનવેર અને રમકડાં ઉદ્યોગ બહોળા પ્રમાણમાં વિકસ્યા છે. જ્યાં ભાવવધારાની નોબત આવી છે. ઘણા યુનિટોએ 10 ટકાનો વધારો કરી દીધો છે. છતાં પુરવઠો વધુ સમય વિક્ષેપિત રહે તો ઉત્પાદનકાર્ય પણ બંધ કરવું પડે તેમ છે.
પેટ, એચડીપીઇ, પીવીસી, એલડીપીઇ,
પીપી, પીએસ અને અન્ય તમામ પ્લાસ્ટિકનો ભાવ માર્ચમાં 40 ટકા ઉંચકાઇ ગયો છે તેમ એક કિચનવેર
ઉત્પાદકે કહ્યું હતુ. તેમણે કહ્યું કે, પહેલી તારીખથી લગાતાર નવો નવો ભાવ આવી રહ્યો
છે. જે પ્લાસ્ટિક અમે રૂ. 98માં ખરીદતા હતા તેનું નવું ક્વોટેશન રૂ. 140 સુધીનું આવી
ગયું છે. આમ 40 ટકાનો સીધો જ ભાવવધારો લાગુ થઇ ગયો છે.
તેમણે કહ્યું કે, સવાલ ભાવવધારાનો
નથી. ભાવવધારો ચૂકવી પણ દઇએ, છતાં માલ મળવાની સમસ્યા સૌથી મોટી છે. પેટ્રોલિયમ કંપનીઓએ
પોતે પણ ઉત્પાદન ઘટાડી નાંખતા સપ્લાય ખોરવાયેલો છે. આફ્રિકા સહિતના દેશોમાંથી આયાત
કરાતી હતી તે પણ બંધ જેવી છે. નવા સોદા પ્લાસ્ટિક આયાત માટે થતાં નથી.
એક કિચનવેર ઉત્પાદકે કહ્યું કે,
કાચો માલ ખાસ્સો મોંઘો થઇ ગયો છે. જોકે તૈયાર માલમાં 10 ટકા જેટલો ભાવવધારો માંડ કરી
શકાયો છે. ઉંચા ભાવ થતાં માગ સાવ અટકી ગઇ છે.
સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સના
જે.કે. પટેલ કહે છે, પ્લાસ્ટિકમાં 40 ટકા કે તેનાથી વધુ ભાવવધારો થઇ ગયો છે જે હવે
સમગ્ર ઉદ્યોગને નડશે. ખાસ કરીને તૈયાર માલમાં ભાવવધારો કરવાનું હરિફાઇના યુગમાં ખૂબ
જ મુશ્કેલ છે. સૌરાષ્ટ્રમાં પ્લાસ્ટિક ઉપર નભતા બે ત્રણ હજાર યુનિટો હશે તે બધાને અસર
છે.
જોકે મોટી સમસ્યા પાકિંગને લઇને
સર્જાઇ છે. અનેક મોટાં અને મધ્યમ ઉત્પાદકો પોતાની પ્રોડક્ટના હજારો બોક્સમાં એમઆરપી
છાપી ચૂક્યાં હોય છે. હવે ભાવવધારો થતાં શું કરવું તે મોટો સવાલ છે. સરકારે આ બાબતનો
તોડ કાઢી આપવો જોઇએ. માત્ર કિચનવેર જ નહીં હાર્ડવેર અને રમકડાં ઉત્પાદકોને પણ આ સમસ્યા
નડી રહી છે. તેમણે કહ્યું કે,એમઆરપી બાજુમાં સ્ટીકર લગાવીને ભાવ ઘટાડી શકાય પણ ભાવવધારાનું
સ્ટીકર ન લગાવી શકાય એટલે મુશ્કેલી પડે છે.
અખાતી યુદ્ધ અટકે નહીં ત્યાં
ક્રૂડ અને ગેસ તથા પ્લાસ્ટિકના પુરવઠાની પૂર્વવત સ્થિતિ થવાની નથી. અટકી જાય તે પછી
પણ પંદર વીસ દિવસે હાલત સરખી થશે. જોકે પ્લાસ્ટિક પૂરું પાડતી કંપનીઓ ફરીથી ભાવ ક્યારે
અને કેટલો ઘટાડશે એ મોટો સવાલ છે.