• શનિવાર, 14 માર્ચ, 2026

અંબાજી મંદિરમાં વહીવટદાર છતાં પૂજારીઓ નિરંકુશ દાનપેટીમાથી પૈસાની ઉઠાંતરી કરતા’તા !

રોષ અને વિવાદ વચ્ચે કોંગ્રેસે મંદિરમાં કર્યું શુદ્ધિકરણ 

જૂનાગઢ, તા.13 : ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરમાં વહીવટદારના શાસનમાં પૂજારીઓ નિરંકુશ હોય તેમ ભંડારામાં મહેફિલ અને ધર્માદા પેટીમાંથી નાણાની ઉઠાંતરીના વિડીયો વાયરલ થતા હિન્દુ સમાજમાં રોષ ભભૂકયો છે. બીજી બાજુ કોંગ્રેસે આજે મંદિરમાં શુદ્ધિકરણ કર્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માગણી કરી હતી. 

અંબાજી મંદિરમાં છેલ્લા દોઢેક વર્ષથી વહીવટદારનુ શાસન છે. વહીવટદાર માત્ર ધર્માદા પેટી ખુલતી વેળાએ અને કોઈ ફરિયાદ ઉઠે તો મુલાકાત લેતા હોય છે, ત્યારે પૂજારીઓ મનમાંની ચલાવતા હોય તેમ મંદિરના ભંડારમાં મહેફિલ થયાનો વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. અને તાકીદની અસરથી 11 પૂજારી અને રસોયાની હકાલપટી કરી હતી.  આ સાથે વિવિધ હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી. તંત્રએ પૂજારી અને રસોયાને પ્રાથમિક તપાસમાં દોષિત ઠેરવી હકાલપટ્ટી કરી ત્યારે વહીવટદારની જવાબદારી શું ? તે સવાલ ઉઠયો છે. મંદિર અને પરિસરમાં કુ પ્રવૃત્તિ ન થાય તે જોવાની જવાબદારી મંદિરના પૂજારીઓ જેટલી જ વહીવટદારની પણ હોય છે. 

 અંબાજી મંદિરમાં તંત્રએ 11 પૂજારીઓની હકાલપટ્ટી કરી ત્યારે ભાવિકોએ આંચકો અનુભવ્યો હતો કે એક મંદિરમાં આટલા પૂજારીઓ કેમ ? સામાન્ય રીતે મંદિરમાં એક કે બે પૂજારીઓ હોય છે, જે સેવા પૂજા કરતા હોય છે પરંતુ અહીં તો સંખ્યા  બંધ પૂજારીઓ નિમિ દેવાયા છે અને તંત્ર ધર્માદા પેટીની આવકમાંથી તેઓને પગાર ચૂકવે છે તેમ છતાં આ બિનજરૂરી ખર્ચ અંગે વહીવટદાર પણ ચૂપ રહ્યા છે.  આ સ્થિતિ વચ્ચે હવે રાજકારણ ગરમાયું હોય તેમ કોંગ્રેસે અંબાજી મંદિરમાં શુદ્ધિકરણ કર્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ વહીવટી તંત્ર એ પ્રાથમિક તપાસ બાદ ત્વરીત કાર્યવાહી કરી છે હવે કથિત વીડિયોમાં દેખાતા શખસોની ઓળખ મેળવી ત્યારબાદ કાનૂની કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક