• ગુરુવાર, 26 માર્ચ, 2026

સરકારની નક્કર ખાતરી છતાં લોકોમાં ઉચાટ

            પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો, અછતની અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ

રાજકોટ, તા. ર4:  ‘વા વાયા ને નળિયું ખસ્યું તે દેખી ને કૂતરું ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર, થઈ ગયો ત્યાં તો શોર-બકોર..’ અખા ભગતની આ પ્રચલિત પંક્તિઓ મુજબ અફવા વીજળી વેગે ફેલાય છે. જેમાં આવી જઈને લોકો વગરવિચાર્યા પગલાં ભરવા લાગે છે. હાલમાં સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાની સરકાર, વહીવટી તંત્ર, પુરવઠા તંત્રની અવારનવારની ભારપૂર્વકની ખાતરી છતાં પેટ્રોલ પંપ પર વાહન ચાલકો ધસારો કરી રહ્યા છે.

ભાવનગર: ભાવનગરમાં પેટ્રોલના ભાવમાં તાતિંગ વધારો થશે અથવા તો પેટ્રોલનો જથ્થો ખૂટી જશે તેવી મૂંઝવણ અને આશંકા વચ્ચે આજે બીજા દિવસે પણ શહેરના અનેક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં ગઈકાલે મોડી રાત સુધી લોકોએ પંપો પર ઉભા રહીને ઈંધણ પુરાવ્યું હતું અને આજે સવારથી ફરી એ જ દ્રશ્યો સર્જાયા હતા. આ ભારે ધસારાને કારણે શહેરના અનેક પેટ્રોલ પંપો પર જથ્થો ખાલી થઈ જતાં સંચાલકોને પંપ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, પંપ સંચાલકોએ એવી આશા વ્યક્ત કરી છે કે  નવો જથ્થો આવી જશે, ત્યારબાદ સ્થિતિ

થાળે પડશે.

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી માનસેતા એ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને ગભરાવાની જરૂર નથી અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો ન લગાડવા વિનંતી કરવામાં આવી છે.  વધુમાં, જિલ્લા પોલીસે ચેતવણી આપી છે કે જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનું સતત મોનિટારિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ પેટ્રોલ-ડીઝલની અછત કે અન્ય બાબતો અંગે ભ્રામક સમાચાર ફેલાવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને માત્ર સરકારના સત્તાવાર માધ્યમો દ્વારા મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવા આપવા અપીલ કરવામાં આવી છે.

અમરેલી : અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી  કુંભાણીએ જણાવ્યું કે, જિલ્લામાં તમામ 150 પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ અફવાઓથી ગેરમાર્ગે દોરવાવું નહીં અને અફવાઓ ફેલાવવી નહીં. પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે ઉમેર્યું કે, એલ.પી.જીની કુલ 26 એજન્સીમાં પણ ગેસનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે. બીજી તરફ અફવાને કારણે અમરેલી, સાવરકુંડલા, સહિતના વિસ્તારમાં પેટ્રોલ પંપ પર લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. ગ્રામ્ય વિસ્તારમાથી પણ લોકો નજીકના પેટ્રોલ પંપ પર દોડી આવતા કતારો વધુ લાંબી બની હતી.

જૂનાગઢ : રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાની સાંત્વના આપી હોવા છતેં સવારથી પેટ્રોલ પંપ ઉપર વાહનોની કતારો લાગતા જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા જાત નિરીક્ષણ માટે પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા.  શહેરના 16 પેટ્રોલ પંપો ઉપર નજર કરો ત્યાં વાહનોની ભીડ જામી હતી. રાજ્ય સરકારે પૂરતો પેટ્રોલ ડીઝલ નો જથ્થો ઉપલબ્ધ હોય અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી પરંતુ જન માનસમાં ઉચાટ જોવા મળતો હતો. આ સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને પેટ્રોલ પુરતા પ્રમાણમાં મળી રહયુ હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક