(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.25 : ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસ
સ્થાને પ્રદેશ ભાજપની અત્યંત મહત્વની કોર કમિટીની બેઠક યોજાઈ. નવી કોર કમિટીની રચના
થયા બાદ આ પ્રથમ બેઠક હોવાથી તેનું મહત્વ અનેકગણું વધી જાય છે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની
અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખાસ રણનીતિ ઘડવામાં
આવી હતી. સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીલક્ષી આયોજન માટે પક્ષના શીર્ષ નેતૃત્વએ ગહન
મંથન કર્યું હતું ઉપરાંત આ બેઠકમાં આગામી સમયમાં આવતી મહત્વની જવાબદારીઓ અને સંગઠનલક્ષી
બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નવી
રચાયેલી કોર કમિટીની આ પ્રથમ બેઠક હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ઉત્તમ તાલમેલ જળવાઈ
રહે તે માટે મુખ્યમંત્રી અને પ્રદેશ
પ્રમુખે
જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને
છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને તેનો લાભ ચૂંટણીમાં કેવી રીતે મેળવી શકાય તે મુદ્દે
પણ ચર્ચા થઈ હતી.