• ગુરુવાર, 26 માર્ચ, 2026

ફરી પલટાશે વાતાવરણ : રવિ અને સોમ માવઠાની શક્યતા

નિષ્ણાતો બાદ હવે હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, તા.25 : તાજેતરમાં હવામાન નિષ્ણાતોએ માર્ચના અંતમાં માવઠાની આગાહી કરી હતી ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા તા.29 અને 30એ માવઠાની આગાહી કરી છે. 29 અને 30 માર્ચે બનાસકાંઠા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આવતીકાલથી લઈને 28 માર્ચ સુધી ગરમીની અસર વર્તાશે. પવનોની દિશા બદલાતા ગરમીનો અનુભવ થશે. બીજી બાજુ 24 કલાકમાં ગરમી વધીને 37 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી હતી. જેમાં આજે અમદાવાદમાં 37.1 ડિગ્રી, બરોડામાં 37.6, રાજકોટમાં સૌથી વધુ 38.3 અને સુરતમાં 37.8 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. 

અમદાવાદ હવામાનના અધિકારી એ. કે. દાસે જણાવ્યું કે, 28 તારીખ સુધી વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે, પરંતુ 28 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 29 અને 30 માર્ચે અમુક સ્થળોએ હળવો વરસાદ   અને ગાજવીજ થઈ શકે છે. 29 તારીખે કચ્છ અને બનાસકાંઠા તથા 30 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓ માટે વરસાદની સંભાવના છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20ની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક