• સોમવાર, 30 માર્ચ, 2026

રાજકોટથી વહેલાસર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની હૈયાધારણા

રાજકોટ ખાતેથી દેશભરના એરપોર્ટ પર વિવિધ જનસુવિધાઓનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુ

વર્ષ 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા,  આજે 165થી પણ વધુ : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી

રાજકોટ, તા. 29 : ‘આજે દેશના 57 એરપોર્ટના વિકાસ કાર્યોનો પ્રારંભ આપણે રાજકોટની ધરતી પરથી થઈ રહ્યો છે. ભારતમાં સિવિલ એવિયેશનનો સ્વભાવ અને સ્વરૂપ છેલ્લાં 12 વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. વર્ષ 2014માં આપણા દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જે આજે વધીને 165થી પણ વધુ થઈ ગયા છે,’ એમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જણાવ્યું હતું. તેમણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વહેલાસર આંતરરાષ્ટ્રીય હવાઈ અને કાર્ગો સેવા શરૂ થવાની હૈયાધારણા આપી હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુએ આજે દેશભરના 57 એરપોર્ટ પર 11 ઉડાન યાત્રી કેફે, 08 એરપોર્ટ પર ડીજી યાત્રા (પેપરલેસ એન્ટ્રી સિસ્ટમ), 50 ફ્રી વાઇ-ફાઇ ઝોન, 10 કિડ્સ ઝોન, 16 ફ્લાયબ્રેરીઝ (લાઇબ્રેરી રેક), 11 અવસર આઉટલેટ્સ અને 08 ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.

આ તકે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં આપણે 160 નવા એરપોર્ટ બનાવ્યા છે, પરંતુ વડાપ્રધાનનો સંકલ્પ આ સંખ્યાને 350 સુધી લઈ જવાનો છે. તાજેતરમાં સરકાર દ્વારા ‘ઉડાન સ્કીમ’ માટે રૂ. 29,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જે સિવિલ એવિયેશનના ઇતિહાસમાં સૌથી મોટું ભંડોળ છે. આગામી દાયકામાં અમારું આયોજન 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાનું છે.

 આ તકે મંત્રીએ ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં મુસાફરોને માત્ર રૂ. 10માં ચા અને રૂ. 20માં સમોસા-કચોરી જેવો નાસ્તો મળી રહેશે. ઉદ્ઘાટન બાદ મંત્રી સહિત મહાનુભાવોએ ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક