• રવિવાર, 29 માર્ચ, 2026

ગુજરાત માટે બે દિવસ ભારે ! આંધી-તોફાન સાથે વરસાદ ભુક્કા બોલાવશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પ્રભાવિત થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 28 : ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને આગામી 29 તથા 30 માર્ચે વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.  આગામી બે દિવસ વરસાદ આંધી-તોફાન સાથે ભુક્કા બોલાવે એવી સંભાવના છે.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે એટલે કે 29 માર્ચના રોજ રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવના છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પ્રભાવિત થશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેદ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.  માવઠાની આ અસર 30 માર્ચના રોજ પણ જોવા મળશે. આ દિવસે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના આઠ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદનો સમાવેશ થાય છે.

 હવામાન વિભાગના મતે, 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને ગરમીમાં અંશિક વધારો થઈ શકે છે. જોકે, રાહત લાંબો સમય ટકશે નહીં. બીજી અને ત્રીજી એપ્રિલે ફરી એકવાર વાતાવરણ પલટાશે અને કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી (ગાજવીજ) સાથે હળવો વરસાદ થઈ શકે છે.

વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તૈયાર થયેલા રવિ પાક અને બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે, વરસાદી ઝાપટાંને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક