કોમનવેલ્થ
સ્પોર્ટ્સ ટીમ ગુજરાતની મુલાકાતે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.8 : ગુજરાત અને અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના
નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે
આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના
પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે તા. 8થી 11 એપ્રિલ દરમિયાન
ગુજરાતમાં રોકાણ કરવાના છે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો
પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે
ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના
આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને
આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું.
કોમનવેલ્થ
ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને
મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં યુત ડોનાલ્ડે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી
હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિયેશનને
કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો.
કોમનવેલ
સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં
યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે
આવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રીએ
આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે તેવી ખાતરી
આપી હતી. ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની
રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી
સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી
ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે.