મિતિયાળા
અને આસપાસના ગામોમાં ધરા ધ્રૂજી, 3.58ની મહતમ તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી
આવ્યા
અમરેલી,
તા.8 : જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂસ્તરિય હલચલ વધી રહી હોય તેમ આજે વહેલી સવારથી
જ ભૂકંપના આંચકાઓનો સિલસિલો શરૂ થતા સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ
વ્યાપી ગયો હતો. ખાસ કરીને મીતીયાળા પંથકમાં માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં એક પછી એક
7 જેટલા આંચકા અનુભવાયા હતા, જેમાં મહતમ તીવ્રતા 3.58 નોંધાતા લોકોમાં ભયનો માહોલ જોવા
મળ્યો હતો.
વહેલી
સવારના 4:15 વાગ્યે જ્યારે સમગ્ર પંથક ગાઢ નિદ્રામાં હતો, ત્યારે 1.8ની તીવ્રતાનો પ્રથમ
આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ સિલસિલો જારી રહ્યો હતો. 4:16થી 4:57: ત્રણ આંચકા (2.3,
1.0 અને 1.4 તીવ્રતા) 7થી 7:51 વચ્ચે વધુ ત્રણ આંચકા, જેમાં 7:15 વાગ્યે આવેલો 3.58ની
તીવ્રતાનો આંચકો સૌથી જોરદાર હતો. આ જોરદાર આંચકાને કારણે મિતિયાળા સહિત ભાડ, નાનુંડી,
ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા જેવા ગામોમાં લોકો ઘરની બહાર ખુલ્લા મેદાનોમાં
એકત્ર થઈ ગયા હતા.
ગાંધીનગર
સ્થિત સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રાબિંદુ અમરેલીથી અંદાજે
43 કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે, આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના
નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ વારંવાર ધ્રૂજતી ધરાએ ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓની
ચિંતામાં વધારો કર્યો છે. સ્થાનિક
વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓના
મતે આ અર્થક્વેક સ્વાર્મ હોઈ શકે છે, જેમાં નાના-નાના અનેક આંચકાઓ આવતા હોય છે. તંત્ર
દ્વારા લોકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.