હિંસક તોફાનો બાદ શહેરમાં કરફ્યૂ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત : દુકાનો અને વાહનોમાં આગચંપી
અમદાવાદ,તા.18,અમારા
પ્રતિનિધિ તરફથી: ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં
ધર્મેશ ગમારા નામના ભરવાડ યુવકની રિઝવાન નામના શખ્સે કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં
ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને જોતજોતામાં
સ્થિતિ વણસી ગઈ હતી. રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવી પાળીયાદ રોડ અને મુખ્ય
સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદમાં હિંસામાં ફેરવાયું હતું.
હત્યાના
વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ ધંધુકાના અનેક વિસ્તારોમાં દુકાનો અને વાહનોને નિશાન બનાવી
આગ ચાંપી દીધી હતી. આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓને કારણે મુખ્ય બજારો ટપોટપ બંધ થઈ
ગઈ હતી અને શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા વહીવટીતંત્ર દ્વારા
તાત્કાલિક અસરથી શહેરમાં કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે અને લોકોને ઘરમાં રહેવાની
સૂચના આપવામાં આવી છે.
ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત ઉચ્ચ
પોલીસ અધિકારીઓનો કાફલો ધંધુકા દોડી ગયો હતો. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી
લીધી છે અને અન્ય શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર શહેરમાં એસઆરપી
સહિતનો મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રાલિંગ
હાથ ધરાયું છે. રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.