વારંવાર વિલંબને કારણે વ્યવસ્થા ખોરવાતા ગ્રાહકો તેમજ દુકાનદારો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થતી હોવાથી નિર્ણય
અમદાવાદ,
તા. 17 : રાજ્યભરમાં જાહેર વિતરણ પ્રણાલી સાથે જોડાયેલા રાશન દુકાનદારોએ તેમની લાંબા
સમયથી ચાલતી પડતર માગણીઓ અને પુરવઠા સંબંધિત સમસ્યાઓના વિરોધમાં મોટું આંદોલન જાહેર
કર્યું છે. રાશન દુકાનદાર એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો સરકાર દ્વારા
સમયસર અનાજનો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો 19 એપ્રિલથી રાજ્યભરના તમામ દુકાનદારો
અચોક્કસ મુદતની હડતાળ પર જશે.
એસોસિએશનના
પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, અનેક વખત સરકાર અને સંબંધિત વિભાગોને રજૂઆતો કરવામાં
આવી હોવા છતાં રાશન વિતરણ વ્યવસ્થામાં સુધારો થયો નથી. દુકાનદારોનો મુખ્ય મુદ્દો એ
છે કે દર મહિને 1થી 7 તારીખમાં રાશનનો જથ્થો દુકાનો સુધી પહોંચી જવો જોઈએ, જેથી સમયસર
લાભાર્થીઓને અનાજનું વિતરણ થઈ શકે પરંતુ વારંવાર વિલંબ થવાને કારણે વ્યવસ્થા ખોરવાઈ
રહી છે અને ગ્રાહકો તેમજ દુકાનદારો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ રહી છે.
દુકાનદારોનું
કહેવું છે કે પુરવઠામાં અનિયમિતતા હોવાને કારણે તેઓને વારંવાર લોકોના પ્રશ્નોનો સામનો
કરવો પડે છે, જ્યારે જવાબદારી પૂર્ણ રીતે નિભાવવી પણ મુશ્કેલ બની જાય છે. પરિણામે સમગ્ર
પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પર અસર પડી રહી છે. જો આ હડતાળ અમલમાં આવે તો રાજ્યના
હજારો રાશન દુકાનોમાં વિતરણ બંધ થઈ શકે છે, જેના કારણે લાખો રાશન કાર્ડ ધારકોને સસ્તા
અનાજ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના
પરિવારો પર તેનો સીધો પ્રભાવ પડશે.