(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 17: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો
40 ડિગ્રીની આસપાસ નોંધાઇ રહ્યો છે. 19 એપ્રિલથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોને ચિંતિત કર્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત
અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 19થી 21એપ્રિલ દરમિયાન
અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ થઇ શકે છે.
હવામાન
વિભાગ દ્વારા આગામી 19થી 21 એપ્રિલમા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ ગરમી યથાવત
રહેશે. રાત્રે ઉકળાટનો અહેસાસ થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી 19થી 21 એપ્રિલે
કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19મીએ ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં
વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે 20મીએ ભાવનગર, અમરેલી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી
છે. 21મીએ ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી છે.
હવામાન
નિષ્ણાંતે પણ આગામી ત્રણ દિવસ એટલે કે, 19થી 21 એપ્રિલ સુધીમાં હવામાનમાં પલટો આવવાની
આગાહી કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર, જૂનાગઢ સહિત અમદાવાદમાં હવામાનમાં પલટો
આવી શકે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં વાદળો આવશે. જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં કરા
પડવાની શક્યતાઓ છે. નિષ્ણાતોએ દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કરા પડવાની આગાહી
કરી છે.