તળાજા, તા.17:તળાજા કોર્ટ કંપાઉન્ડ બહાર આજે સવારે 10:45 વાગ્યાના અરસામાં એડવોકેટ પ્રવીણભાઈ ખીમજીભાઈ સોસા પર કુખ્યાત શખસ કિશોર મીઠાભાઈ રાઠોડે છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આરોપી કિશોર રાઠોડ, જેની સામે અગાઉ પણ અનેક પ્રોહિબિશનના કેસો નોંધાયેલા છે, તેણે ‘મારી સામે કેમ જુએ છે?’ તેમ કહી વકીલ સાથે ઝઘડો કરી પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત વકીલને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ બાર એસોસિયેશનના પ્રમુખ હાર્દિકભાઈ ઓઝા સહિતના વકીલો હોસ્પિટલ દોડી ગયા હતા.
બનાવના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ચાવડા અને
પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત વકીલની મુલાકાત લીધી હતી અને વકીલ મંડળને કડક
કાર્યવાહીની ખાતરી આપી હતી. ઇજાગ્રસ્ત એડવોકેટે જણાવ્યું હતું કે આ હુમલો કોઈ વ્યવસાયિક
અદાવત નહીં પણ જૂની અને અંગત અદાવતને કારણે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી કિશોર રાઠોડની
અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. કોર્ટની બહાર જ વકીલ પર હુમલો થતા સ્થાનિક વકીલ
મંડળમાં ભારે ખળભળાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.