ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
રાજકોટ,
તા.30: છેલ્લા કેટલાક દિવસથી આકરી ગરમી પડતા લોકો અકળાઇ ઉઠયા હતા. જો કે આંશિક રાહતની
આગાહી બાદ આજે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો હતો. ભેજવાળા પવન ફૂંકાતા હોવાથી
નાગરિકોને આકરો તાપ સહન કરવો પડશે નહીં. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની
પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને
પાર પહોંચ્યો હતો. રાજકોટમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
છેલ્લા
એક અઠવાડિયાથી મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. મોટાભાગના શહેરોમાં
તાપમાન 42થી 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા
લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જેથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. જો કે
હવે વાતાવરણની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી આપવામાં
આવી છે. આજથી રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની
હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીએ ગરમી પહોંચ્યા બાદ તેમાં
બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો રાહતનો શ્વાસ લઈ શકશે. અત્યારે દક્ષિણ પશ્ચિમથી
પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે.
શહેર
તાપમાન
રાજકોટ 42.4
સુરેન્દ્રનગર 42
અમદાવાદ
41.7
ગાંધીનગર 41
અમરેલી 40.7
ભાવનગર 40.4
વલ્લભ
વિદ્યાનગર 40.3
ભુજ 40
ડીસા 40
વડોદરા 39.8