- 32 પૈસાનાં ગાબડાં સાથે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ગગડીને સર્વકાલીન નીચા 95.20ના સ્તરે
-ક્રૂડતેલના
ભાવ ચાર વર્ષની ટોચે: યુદ્ધ વચ્ચે 126 ડોલર સુધી પહોંચી ગયું
નવી
દિલ્હી, તા.8: ડોલર સામે રૂપિયો આજે શરૂઆતી કારોબારમાં 32 પૈસા તૂટીને 9પ.20 રૂપિયાનાં
સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ ભારે ઘટાડા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય
બજારમાં ક્રૂડ ઓઈલનાં ભાવમાં ધગધગતો ઉછાળો, મજબૂત અમેરિકી ડોલર અને પશ્ચિમ એશિયામાં
ઘેરાતો ભૂરાજકીય તનાવ જેવા કારણો છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે ક્રૂડતેલની કિંમત
126 ડોલર પ્રતિબેરલ સાથે ચાર વર્ષની ટોચ પર પહોંચી ગઈ હતી. હાલતુરત 123 ડોલર પ્રતિ
બેરલ આસપાસ આવી છે. મુદ્રા બજારમાં મચી ગયેલા આ હાહાકારનાં કારણે ભારતીય શેરબજારમાં
પણ ભારેખમ વેચવાલી જોવા મળી હતી.
આંતરબેન્ક
વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો 9પ.01 ઉપર ખુલ્યો હતો અને થોડી જ વારમાં ગોથું
ખાઈને 9પ.20નાંસ્તરે સરકી ગયો હતો. આ પહેલા બુધવારે પણ રૂપિયાનાં મૂલ્યમાં 20 પૈસાનો
ઘટાડો થયો હતો અને 94.88નાં સ્તરે બંધ આવ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં
કોઈ ફેરફાર નહીં કરવાનાં નિર્ણય અને ઈરાન-અમેરિકા વિવાદમાં તનાવ વધતા સુરક્ષિત રોકાણ
તરીકે અમેરિકી ડોલરની માગમાં ઉછાળો આવ્યો છે અને તેના હિસાબે ડોલર ઈન્ડેક્સમાં પણ ઉછાળો
નોંધાયો છે. આ લખાય છે ત્યારે ડોલર સામે રૂપિયાનાં મૂલ્યમાં થોડો સુધારો આવ્યો છે અને
94.89નાં સ્તરે કારોબાર થઈ રહ્યો છે. તેલના ભાવમાં ભડકા પર ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ
બાઘેર ગાલીબાફે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આગામી પડાવ 140 ડોલરનો છે.
ટ્રમ્પને
તેમના લોકો બેકાર સલાહ આપે છે તેવું તેમણે જણાવ્યું હતું. અમેરિકી નાણામંત્રી સ્કોટ
બેસેંટની મજાક ઉડાવતાં ગાલીબાફે કહ્યું હતું કે, તેમની સલાહથી જ તેલની કિંમતો વધી છે.
દરમ્યાન, યુદ્ધ અંગે દોહા ઈન્સ્ટિટયૂટના પ્રોફેસર
મોહમ્મદ અલમાસરીએ જણાવ્યું હતું કે, ઈરાન જલ્દી હાર માની શકે નહીં. ઈરાન કમ સે કેમ
બે-ત્રણ મહિના સુધી અમેરિકી દબાણ સહન કરી શકે છે અને તેનાથી પણ વધુ સમય ટકી જાય તેમ
પણ બની શકે. ટ્રમ્પને લાગે છે કે, દબાણ લાવીને
ઈરાનને જલ્દી નમાવી શકાશે પરંતુ આવું વિચારવું સાવ ખોટું છે તેવું તેમણે કહ્યું હતું.
અસલી સવાલ એમ નથી કે, ઈરાન કયાં સુધી ટકશે. મૂળ પ્રશ્ન તો એ છે કે અમેરિકા કેટલા સમય
સુધી આટલો ખર્ચ કરતું રહેશે.