• શુક્રવાર, 01 મે, 2026

ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં 4 મિત્રનાં મૃત્યુ

- સગાઈમાં જઈ રહેલા યુવકોની કાર વાલથેરા ગામ પાસે પલટી મારીને વીજ પોલ સાથે અથડાઇ 

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.30: અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાલથેરા ગામ પાસે બાપા સીતારામની મઢી નજીક એક સ્કોર્પિયો કાર ચાલકે સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને રોડની બાજુમાં રહેલા વીજ પોલ સાથે ટકરાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 4 આશાસ્પદ યુવકોનાં મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય બે-ત્રણ વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ સ્કોર્પિયો કારમાં સવાર તમામ યુવકો સગાઈના પ્રસંગ માટે જઈ રહ્યા હતા. સગાઈની ખુશી સાથે નીકળેલા આ યુવકોને કાળ આંબી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, ત્રણ યુવકના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એક યુવકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. આ અકસ્માતમાં ગૌરાંગભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તને તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર પ્રેમ ચંદ્રેશભાઈ ચુનારા (ઉં.વ.25, રહે.બારેજા, તા.દસક્રોઈ), સાગરભાઈ વિજયભાઈ સોલંકી (ઉં.વ.18, રહે.બારેજા, તા.દસક્રોઈ), દેવાંગ ધર્મેશભાઈ સોલંકી (ઉં.વ.25, રહે.ચાંદલોડિયા, અમદાવાદ)નું મૃત્યુ થયું હતું જ્યારે સોલા સિવિલમાં નરેન્દ્રભાઈ વિજયભાઈ સોલંકીએ (ઉં.વ.17, રહે.બારેજા, તા.દસક્રોઈ) દમ તોડયો હતો. ઘટનાની જાણકારી મળતા જ કોઠ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક