• ગુરુવાર, 14 મે, 2026

વાવણી શરૂ થવા પૂર્વે કપાસના ટેકાના ભાવમાં વૃદ્ધિ

મગફળી અને કપાસના વાવેતરને ફાયદો થશે

અમદાવાદ, તા. 13: ભારત સરકારે વર્ષ 2026-27માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઇનપુટ સહિતના ખર્ચને ધ્યાને રાખીને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.

વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ. 7,517 પ્રતિ ક્વિ., કપાસ (લંબતારી) માટે રૂ. 8,667 પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. 2,441 પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. 4,023 પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. 2,900 પ્રતિ ક્વિ., રાગી માટે રૂ. 5,205 પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. 2,410 પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. 8,450 પ્રતિ ક્વિ., મગ માટે રૂ. 8,780 પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. 8,200 પ્રતિ ક્વિ., સોયાબીન માટે રૂ. 5,708 પ્રતિ ક્વિ. તેમજ તલ પાક માટે રૂ. 10,346 પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ગત વર્ષની સરખામણીએ કપાસ (લંબતારી), તલ અને તુવેરના ટેકાના  ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ક્રમશ: રૂ. 557, રૂ. 500 અને રૂ. 450નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક