• ગુરુવાર, 14 મે, 2026

ઈંધણ બચત અભિયાન સ્પીડમાં, ટઈંઙ કલ્ચરને બ્રેક !

વડાપ્રધાનની  અપીલ બાદ રાજ્યમાં મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓની કાફલા અને પાયલોટિંગ જેવી સુવિધાઓમાં મોટો કાપ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાફલામાં ઘટાડો  કર્યો : માત્ર બે કાર સાથે રાજુલા પહોંચ્યા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો, પાયલોટિંગ કાર ન વાપરવાનો પાટીલનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.13 : પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલા વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરેલી અપીલની ગુજરાતમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. ગુજરાત સરકારે આ દિશામાં પ્રેરણાદાયી નિર્ણય લેતા રાજ્યમાં મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓને મળતી ‘કોન્વોય’(કાફલા) અને ‘પાયલોટિંગ’ જેવી વીઆઈપી સુવિધાઓમાં મોટો કાપ મૂક્યો છે. વડાપ્રધાનની અપીલને અમલમાં મૂકવાની શરૂઆત ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી જ્યારે કોઈ જિલ્લાના પ્રવાસે હોય ત્યારે 10 થી 15 વાહનોનો કાફલો તેમની સાથે હોય છે. જોકે, અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રૂ.22 કરોડના ખર્ચે નિર્મિત ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રીએ સૌને ચોંકાવી દીધા હતાં તેઓ પ્રોટોકોલ તોડીને માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચ્યા હતા.  રાજ્ય સરકારના નવા નિર્ણય મુજબ, હવેથી માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને જ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કોન્વોય (વાહનોનો કાફલો) સુવિધા આપવામાં આવશે. રાજ્યના અન્ય તમામ કેબિનેટ અને રાજ્યમંત્રીઓને ‘નોન-કેટેગરી’માં રાખવામાં આવ્યાં છે, એટલે કે, હવે મંત્રીઓ મોટા લશ્કરી કાફલા વગર સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરતા જોવા મળશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડીઝલની બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને ટ્રાફિકની સમસ્યામાં રાહત આપવાનો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઈંધણ બચાવવા માટે નિર્ણય લઈને ટ્રેનમાં મુસાફરી શરૂ કરી દીધી છે.  તેમણે પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ કરી દીધી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકામાં યોજાનારા ગુજરાતી કન્વેન્શનનો પોતાનો પ્રવાસ રદ્દ કર્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી પેટ્રોલના ભાવ સ્થિર નહીં થાય ત્યાં સુધી તેઓ પાયલોટિંગ કાર વાપરશે નહીં. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ જ રાહ અપનાવી છે. મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પણ પોતાની પાયલાટિંગ સેવાઓ છોડી દીધી છે.

માત્ર મંત્રીઓ જ નહીં, પણ શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ અભિયાનમાં ઝંપલાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા નથી પરંતુ યુનિવર્સિટીમાં કાર પુલિંગ ફરજિયાત કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એક જ દિશામાં આવતાં કર્મચારીઓ હવે અલગ-અલગ વાહનો લાવવાને બદલે એક જ કારમાં આવશે, જેથી ઈંધણની બચત થઈ શકે.

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ સકારાત્મક પહેલ કરવામાં આવી છે.કુલપતિ ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠના કુલ 295 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક અધ્યાપકો તથા સેવકોમાંથી આશરે 46 જેટલા અધ્યાપકો અને સેવકો કારપુલનો ઉપયોગ કરે છે. ઉપરાંત, 22થી વધુ સેવકો જાહેર પરિવહન, 7 જેટલાં સેવકો પગપાળા તેમજ 2 સેવક ઊટ અને કાર તથા 3 સેવકો સાઇકલ દ્વારા વિદ્યાપીઠ ખાતે આવે છે. વિદ્યાપીઠના 2000થી વધુ વિદ્યાર્થીઓમાંથી પણ 130થી વધુ વિદ્યાર્થીઓ જાહેર વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરે છે.

એસ્કોર્ટ-પાયલોટીંગની સુવિધા પણ સંયમિત

ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઈંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી હતી. આ સંદર્ભે ડો. રાવે જણાવ્યું હતું કે એસ્કોર્ટ અને પાયલોટીંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ ફાળવવામાં આવશે.

કોર્ટની કામગીરી બાબતે પણ મહત્વનો ફેરફાર સૂચવતા તેમણે જણાવ્યું હતું કે, સરકારી વકીલ સાથેના બ્રાફિંગ માટે અધિકારીઓએ રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક અથવા અન્ય કોમ્યુનિકેશન માધ્યમનો ઉપયોગ કરવો તેમજ ’ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ હેઠળ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ મારફતે સાક્ષી કે જુબાની આપવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવું, જેથી મુસાફરીનો સમય અને ખર્ચ બચી શકે.

વહીવટી સ્તરે પણ પરિવર્તન લાવતા માટે હવે વિભાગની તમામ પ્રકારની માટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે.

મોદીના કાફલામાં માત્ર બે કાર

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની દેશવાસીઓને અપીલની અસર અને ચોમેર ચર્ચા વચ્ચે ખુદ વડાપ્રધાને આ અપીલ પર અમલ કરવાનું શરૂ કરી દીધું છે.

વડાપ્રધાન મોદી બુધવારે માત્ર બે ગાડીના કાફલા સાથે પોતાનાં ઘરથી નીકળ્યા હતા. એક કારમાં ખુદ મોદી હતા, તો બીજી કારમાં તેમની સુરક્ષામાં તૈનાત એસપીજીના જવાનો હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પીએમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને પોતાની જ અપીલ પર અમલ કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ આપ્યું છે. હવે આ અભિયાન જનઆંદોલન બની શકે છે. નેતૃત્વ જાતે અમલ કરે છે ને ત્યારે      તેવી પહેલ જનઆંદોલન બની જાય છે. મોદીજીની આ પહેલમાંથી પ્રેરણા લઇને હું પણ મારા કાફલામાં વાહનો ઘટાડી રહ્યો છું, તેવું નબીને કહ્યું હતું.

ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અંગે વિચારણા

ખર્ચ અને પેટ્રોલ-ડીઝલ બચાવવા મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન : ખાનગી કંપનીઓ સાથે બેઠક કરી ‘વર્ક ફ્રોમ હોમ’ને ફરી પ્રોત્સાહન અપાશે

અમારા પ્રતિનિધિ તરફથી, અમદાવાદ,તા.13 : ગુજરાત સરકાર હવે પેટ્રોલ-ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન (વર્ચ્યુઅલ) યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર છે.  રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યો છે કે, મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં ફરીથી ’વર્ક ફ્રોમ હોમ’ કલ્ચર લાવવા પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે.

અત્યારે રાજ્ય સરકાર ખર્ચ અને ઈંધણ ઘટાડવાના આ મોટા પ્લાનિંગ પર ઉચ્ચ સ્તરે કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મોટાભાગના બહારના (આઉટડોર) સરકારી કાર્યક્રમો ડિજિટલ માધ્યમથી જ યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હેલિકોપ્ટર અને સરકારી ગાડીઓના ઉપયોગમાં કાપ મૂકીને એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ-ડીઝલની મોટી બચત કરવાનો સરકારનો સીધો ટાર્ગેટ છે. આનાથી સરકારનો સમય અને પૈસા બંને બચશે.

રાજ્યમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ સતત વધી રહ્યો છે, તેને કંટ્રોલ કરવા સરકારે નવા રસ્તાઓ વિચારવાનું શરૂ કર્યું છે. આ અંગે મંત્રી કુંવરજી બાવળિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી ’વર્ક ફ્રોમ હોમ’ને પ્રોત્સાહન આપવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં લોકો રાજિંદા ઓફિસ જવા-આવવા માટે વાહનોનો ખૂબ ઉપયોગ કરે છે. જો તેમને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવે, તો પેટ્રોલ-ડીઝલની બચતમાં આ પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. મંત્રીએ વધુમાં એમ પણ સ્પષ્ટ કર્યું કે, આ મામલે સરકાર ટૂંક સમયમાં જ અનેક ખાનગી કંપનીઓ અને એસોસિએશનો સાથે બેઠક કરશે. તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી જ આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે, આ બધું લાગુ કરતા પહેલા વહીવટી નિયમો અને પ્રોટોકોલનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે. ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ, બંનેને અનુકૂળ રહે તેવું આયોજન ગોઠવાશે. સરકારની આ હિલચાલ જોતા લાગી રહ્યું છે કે આવનારા સમયમાં કોર્પોરેટ સેક્ટરમાં ’વર્ક ફ્રોમ હોમ’ ટ્રેન્ડ ફરી પાછો આવી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક