• ગુરુવાર, 14 મે, 2026

રૂપિયાને સંકટમાંથી ઉગારવા સોનાનું શત્ર ઉગામતી સરકાર

સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયૂટી 6 ટકા વધારીને 15 ટકા : નિર્ણયને પગલે સોના-ચાંદીનાં ભાવમાં ભડકો

નવીદિલ્હી,તા.13: ઈરાન યુદ્ધનાં કારણે દુનિયામાં સર્જાયેલા ઊર્જા અને આર્થિક સંકટ વચ્ચે ડોલર સામે રૂપિયાનાં મૂલ્યમાં ધોવાણને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સોના-ચાંદીની ખરીદી ટાળવાની અપીલ બાદ સરકારે આજે આ બન્ને કિંમતી ધાતુની આયાત ડયૂટી 6 ટકા વધારીને 1પ ટકા કરી નાખી છે. સરકારનાં આ આક્રમક નિર્ણયનાં કારણે આજે સોના-ચાંદીનાં ભાવમાં ભડકો થઈ ગયો હતો. 10 ગ્રામ સોનાનાં ભાવમાં 11 હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને ચાંદીનો ભાવ પણ ખુલતાવેંત રોકેટની રફ્તારે 3 લાખ પાર નીકળી ગયો હતો.

નાણા મંત્રાલયે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને આજથી એટલે કે 13મી મે થી સામાજિક કલ્યાણ અધિભાર(સરચાર્જ) અને કૃષિ અવસંરચના અને વિકાસ ઉપકર(એઆઈડીસી)માં વધારો કર્યો છે. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે વિદેશી મુદ્રાને આયાત માટે બહાર જતી રોકવા માટે ઈંધણનાં વિવેકપૂર્ણ ઉપયોગ અને સોનાની ખરીદી, વિદેશ યાત્રા ઘટાડવા સહિત જેવી વડાપ્રધાન મોદીની અપીલ પછી આજે આ જાહેરનામું જારી થયું છે.

ભારતમાં સોનાની આયાત 202પ-26માં 24 ટકાથી વધુ વધીને સર્વોચ્ચ 73.98 અબજ ડોલરે પહોંચી ગઈ હતી. જો કે સોના જથ્થાનાં હિસાબે આયાત 4.76 ટકા ઘટીને 721.03 ટન થઈ હતી કારણ કે સોનાની કિંમત 2024-25માં 76617.48 ડોલર પ્રતિ કિલોથી વધીને 2025-26માં 99825.38 ડોલર પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક