• બુધવાર, 13 મે, 2026

રાજુલામાં આજે મુખ્યમંત્રીના હસ્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ

રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ, વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને સંપૂર્ણ નિ:શુલ્ક મળશે સારવાર

(ફૂલછાબ ન્યૂઝ)

અમરેલી, તા.12 : રાજુલા પંથકના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ આવતીકાલે તા.13 બુધવારના રોજ સર્જાવાની છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજુલા મુકામે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ 100 બેડની નિ:શુલ્ક હોસ્પિટલ રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે.

આજના આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થતાં રાજુલા પંથકના દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સ્થાનિક સ્તરે જ સમયસર અને ઉત્તમ સારવાર મળી શકશે. આ આરોગ્ય મંદિર માત્ર હોસ્પિટલ નહીં પરંતુ માનવ સેવાના ઉત્તમ સંકલ્પનું પ્રતીક બની રહેશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલ આ સેવા કાર્યથી આ વિસ્તારના હજારો પરિવારોને સીધો લાભ મળશે. આવતીકાલે તા. 13 ના રોજ યોજાનારા લોકાર્પણ સમારોહમાં આગેવાનો, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, દાતાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ રહેશે. રાજુલા પંથક માટે આ પ્રકલ્પ આરોગ્ય ક્ષેત્રે નવી દિશા દર્શાવનાર સાબિત થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક