• બુધવાર, 13 મે, 2026

IPL નવી પ્રતિભા માધવ તિવારી ખુદને વિશુદ્ધ ઓલરાઉન્ડર માને છે

ધર્મશાલા, તા.12 : માધવ તિવારીએ આઇપીએલ-2026 સીઝનના તેના પહેલા મેચમાં જ બોલ અને બેટથી શાનદાર દેખાવ કરીને પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 22 વર્ષીય માધવ તિવારીએ 4 ઓવરમાં 40 રન આપી 2 વિકેટ લીધી હતી આ પછી ડેથ ઓવર્સમાં 8 દડામાં અણનમ 18 રનની કેમિયો ઇનિંગ રમી હતી. આથી તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

માધવ તિવારીને ગત સીઝનમાં એક મેચ રમવાનો મોકો મળ્યો હતો. એ મેચ પણ પંજાબ સામે હતો. આ મેચમાં તેણે 1 ઓવરમાં 14 રન આપ્યા હતા. મેચ ભારત-પાક. વચ્ચેના યુદ્ધને લીધે પડતો મુકાયો હતો. આ પછી માધવને દિલ્હી ટીમમાં તક મળી ન હતી. હવે આ સીઝનના અંતમાં તેને મોકો મળ્યો હતો.  મધ્યપ્રદેશની લીગમાં ઓળખ બનાવનાર માધવ તિવારી ખુદને એક વિશુદ્ધ ઓલરાઉન્ડર માને છે. તે કહે છે કે હું 100 ટકા બેટર અને 100 ટકા બોલર છું. જેની ઝલક તેણે પંજાબ સામેના મેચમાં બતાવી હતી. તેણે પોતાની સફળતાનો યશ ડીસીના બોલિંગ કોચ મુનાફ પટેલ અને બેટિંગ કોચ ઇયાન બેલને આપ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક