• બુધવાર, 13 મે, 2026

‘જવાબદાર’ દેશ તેની પ્રતિષ્ઠાનું વિચારે

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને મદદ કરવા બદલ ભારતે ચીન પર કર્યો કટાક્ષ

નવી દિલ્હી, તા. 12 : જે દેશો પોતાને જવાબદાર માને છે તેમણે આતંકવાદી માળખાને સુરક્ષિત કરવાના તેમના પ્રયાસોની તેમની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા પર થતી અસર પર વિચાર કરવો જોઈએ તેવું ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને કથિત સમર્થન આપવા બદલ ચીનને કડક સંદેશ આપતાં મંગળવારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું.

એક મીડિયા હેવાલ મુજબ, પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીન દ્વારા ટેકનિકલ સહાય પૂરી પાડવાના પ્રથમ વખત સ્વીકારના નિવેદન વિશે પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર સંપૂર્ણપણે ચોક્કસ, લક્ષ્યાંકિત અને સંતુલિત કાર્યવાહી હતી. જે દેશો પોતાને જવાબદાર માને છે તેમણે આતંકવાદી માળખાને સુરક્ષિત કરવાના તેમના પ્રયાસોની તેમની પ્રતિષ્ઠા અને વૈશ્વિક છબી પર થતી અસર પર વિચાર કરવો જોઈએ.

ઓપરેશન સિંદૂર એક ચોક્કસ અને લક્ષિત ઓપરેશન હતું, જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનથી કાર્યરત અને સમર્થિત આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો, જેના અનુસંધાને ભારતે 6 અને 7 મે, 2025ની રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં 100થી વધુ આતંકી મરાયા હોવાની વિગતો સરકારે આપી હતી.

નોંધનીય છે કે,  ગયા અઠવાડિયે, ચીને પહેલીવાર પુષ્ટિ આપી હતી કે, તેણે ભારત સાથેના ચાર દિવસના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને સ્થળ પર ટેકનિકલ સહાય પૂરી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતની કાર્યવાહી બાદ બંને દેશ વચ્ચેનો લશ્કરી તણાવ વધી ગયો હતો. જો કે, ઇસ્લામાબાદે યુદ્ધવિરામની અપીલ કરી હતી. ભારતે પાકિસ્તાનની આ વિનંતી સ્વીકારી હતી, પરંતુ સરકારે સતત કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર પર ફક્ત રોક લગાવાઈ છે, તે સમાપ્ત કરવામાં આવ્યું નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક