અમરેલી
જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોમાં રાહત અને આનંદ
અમરેલી,
ગઢડા,તા.3 : અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અનુભવાઈ રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય
બફારા વચ્ચે આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોમાં રાહત અને આનંદની લાગણી છવાઈ
ગઈ હતી. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના વિવિધ તાલુકા તેમજ
ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિમોન્સુન વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
અમરેલી
તાલુકાના ખડ ખંભાળિયા ગામે વરસાદ સાથે કરા પડતાં ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું
હતું. ઉનાળાની ઋતુમાં કરા સાથેનો વરસાદ દુર્લભ ઘટના માનવામાં આવતી હોવાથી લોકો આ કુદરતી
નજારો નિહાળવા ઘરની બહાર નીકળી આવ્યા હતા. બાળકો અને યુવાનોમાં કરા એકત્ર કરવાની ઉત્સુકતા
પણ જોવા મળી હતી. લાપાળીયા, ઘુઘરાળા અને કુંકાવાવ તાલુકાના અમરાપુર સહિત અનેક ગામોમાં
વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ગરમીથી
ત્રસ્ત
બનેલા લોકો માટે આ વરસાદ રાહતનો શ્વાસ સાબિત થયો હતો. વરસાદ બાદ ઠંડા પવનો ફૂંકાતા
સમગ્ર પંથકમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. જિલ્લામાં પડેલા આ પ્રથમ પ્રિમોન્સૂન વરસાદે
ગરમીનો પારો નીચે લાવી લોકોને મોટી રાહત આપી છે, જ્યારે ખેડૂતો સારા ચોમાસાની આશા સાથે
આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.
જ્યોતિષ
અને લોકવાયકા મુજબ હાલ ચાલી રહેલા રોહિણી નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ ખેતી માટે શુભ
માનવામાં આવે છે. ખરીફ સિઝનની તૈયારીઓમાં લાગેલા ખેડૂતોમાં પણ આ વરસાદે નવી આશા જગાવી
છે. ગઢડા વિસ્તારમાં મોડી સાંજે હળવો વરસાદ વરસતાં માટીની મહેંક પ્રસરી ઊઠી હતી અને
નજીક આવી રહેલા ચોમાસાની આગાહી કરતો માહોલ સર્જાયો હતો.