કપાસિયા,
પામતેલ અને સૂર્યમુખી તેલ મોંઘા થયાં પણ સીંગતેલ વધી ન શક્યું
રાજકોટ,તા.3:
(ફૂલછાબ ન્યૂઝ) પાછલા ચાર પાંચ વર્ષથી મગફળીનું ઉત્પાદન ઉતરોતર વધી રહ્યુ છે. મગફળીને
લીધે સીંગતેલ પણ હવે સૌરાષ્ટ્રમાં બહોળા પ્રમાણમાં બને છે પણ વપરાશ સ્થગિત થઇ ચૂક્યો
છે. એમાં ખાસ વધારો થતો નથી. અગાઉ સીંગતેલનો ભાવ કપાસિયા, પામતેલ અને સૂર્યમુખી કરતા
ઉંચો રહેતા તથા ભેળસેળને લીધે વપરાશ ઉંચકાતો ન હતો પણ હવે પરિસ્થિતિ પલટાતી જાય છે.
બધા જ તેલ સીંગતેલના ભાવ સ્તરે આવી ગયા છે છતાં પ્રિમિયમ ગણાતા સીંગતેલના વપરાશમાં
વૃધ્ધિ થવી મુશ્કેલ બની ચૂકી છે.
સીંગતેલનું
સીધુ હરીફ ગણાતું કપાસિયા તેલ હવે માત્ર રૂ. 95 જ મોંઘું છે છતાં વપરાશકારો ડાયવર્ટ
થતાં નથી એમ તેલ ઉદ્યોગના અગ્રણીઓએ કહ્યું હતુ. સીંગતેલના નવા ડબાનો ભાવ 15 કિલોએ રૂ.
2705-2755 ચાલે છે, તેની સામે કપાસિયા તેલનો ભાવ રૂ. 2620-2660 બોલાય છે. ભાવ ફરક નજીકના
વર્ષોમાં હતો તેની તુલનાએ સૌથી ઓછો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનાનામાં ભાવફરક રૂ.
420નો હતો ! પાંચ મહિનામાં કપાસિયા તેલ રૂ. 325 મોંઘું થઇ ગયું છે અને સીંગતેલ વધી
નથી શક્યું તેમ કહી શકાય. પામતેલ સસ્તું હોય છે. કપાસિયા તેલ કરતા પણ તેનો ભાવ ઓછો
રહે છે. પામતેલ પણ છેલ્લાં પાંચ મહિનામાં જે રીતે ઉંચકાયુ છે તે જોતા સીંગતેલ સાથેનો
ફરક રૂ. 640થી ઘટીને રૂ. 375નો થઇ ગયો છે. પામતેલનો ડબો રૂ. 2375-2380માં મળે છે. બીજી
રીતે જોઇએ તો કપાસિયા અને પામતેલ વચ્ચે જાન્યુઆરીમાં ભાવ ફરક રૂ. 220 હતો તે અત્યારે
રૂ. 280નો થઇ ગયો છે. અર્થાત કપાસિયા તેલનો ભાવ વધ્યો છે.
સીંગતેલ,
કપાસિયા કે પામતેલ પસંદ ન કરતો વર્ગ થોડો વધારે આગળ વધીને સૂર્યમુખી તેલ અપનાવીને ગૌરવ
લે છે. જોકે સીંગતેલનો વિકલ્પ બની શકે તેમ નથી કારણકે એ પણ ડબલ કે ટ્રીપલ રિફાઇન્ડ
આવતું હોય છે. ખેર, સીંગતેલ અને સૂર્યમુખી તેલ વચ્ચેના ભાવફરક રૂ. 200 અગાઉ હતા, સીંગતેલ
મોંઘું હતુ. હવે સૂર્યમુખીનો ભાવ રૂ. 25 વધારે છે. સૂર્યમુખી 13 કિલો ટીન રૂ. 2460-2480માં
મળે છે.
ખાદ્યતેલના
એક વેપારી કહે છે, સીંગતેલ સસ્તું થાય તો હવે જૂજ વર્ગ એ તરફ વળે છે. દરેક વપરાશકર્તાઓએ
પોતાને અનુકૂળ ખાદ્યતેલ અપનાવી લીધાં છે, મોટેભાગે તેને અનુકૂળ થઇને વપરાશ કરે છે.
છતાં પાછલા પાંચ વર્ષમાં સીંગતેલના વપરાશમાં ચોક્કસપણે વધારો થયો છે. હવે ભેળસેળ ઘટી
ગઇ છે એની પણ અસર હોઇ શકે છે.