• ગુરુવાર, 04 જૂન, 2026

ટ્રેડ ડીલની વાતચીત વચ્ચે અમેરિકાએ આપ્યો ઝટકો

બળજબરી શ્રમ સંબંધિત 60 દેશોની ‘બદનામ’ યાદીમાં ભારત સામેલ : 12.5 ટકા વધારાનો ટેરિફ લાદવાનો યુએસટીઆરનો પ્રસ્તાવ : શ્રમ સંબંધિત નીતિનાં કારણે અમેરિકી અર્થતંત્ર ઉપર બોજ પડતો હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 3 : ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી (બીટીએ) ઉપર હસ્તાક્ષર થવાની આશા 99 ટકાએ પહોંચી ચૂકી હતી તેવા સમયે જ અમેરિકાએ એક મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ (યુએસટીઆર)એ ભારત સહિત 60 દેશની એક ‘બદાનામ’ યાદી જાહેર કરી છે. જેને બળજબરી શ્રમ (ફોર્સ્ડ લેબર) સંબંધિત ચિંતાઓનાં કારણે વધારાના ટેરિફનો સામનો કરવો પડી શકે છે. યુએસટીઆરએ બુધવારે ભારતને એવા દેશોમાં સામેલ કર્યું છે જેના ઉપર બળજબરી શ્રમ સંબંધિત સામાનને દુનિયાભરમાં સપ્લાય કરતા રોકવાની ચિંતા મુદ્દે વધુ ટેરિફ લાદી શકાય તેમ છે. આ એક વ્યાપારિક અને માનવાધિકાર સંબંધિત મામલો છે.

યુએસટીઆરનો આરોપ છે કે  ભારત સહિત 60 દેશોએ બળજબરી શ્રમથી બનેલાં ઉત્પાદનોને રોકવા માટે અત્યારસુધીમાં કોઈ પ્રભાવી કાર્યવાહી કરી નથી. જેના કારણે અમેરિકાએ ભારતીય સામાનોના નિકાસ ઉપર 12.5 ટકાનો વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવ 1974ના અમેરિકી વ્યાપાર અધિનિયમની ધારા 301 હેઠળ કરવામાં આવેલી 60 તપાસમાંથી એકના આધારે આવ્યો છે. તપાસનાં પરિણામના આધારે યુએસટીઆરએ પ્રભાવિત અર્થવ્યવસ્થાઓમાંથી થતી આયાત ઉપર 10થી 12.5 ટકા વધારાનો ટેક્સ લાદવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ દિલ્હીમાં ત્રણ દિવસની વેપાર વાતચીતમાં વ્યસ્ત છે અને સમજૂતીને અંતિમ રૂપ આપવાની કવાયત કરી રહ્યા છે.

અમેરિકી રિપોર્ટ અનુસાર ભારતની બળજબરી મજૂરી રોકવાની વિફળણા અમેરિકાના વેપાર ઉપર બોજ આપી રહી છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે બળજબરી મજૂરી સંબંધિત આયાત ઉપર પ્રતિબંધ લાદવા અને તેને પ્રભાવી રૂપથી લાગુ કરવામાં નિષ્ફળતા કાર્ય નીતિ અને પ્રથાઓ ઉપર પ્રભાવ છોડી રહી છે. આ યાદીમાં ભારત ઉપરાંત ચીન, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન, નોર્વે, કેનેડા, મેક્સિકો, યુએઈ, સાઉદી અરબ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકા,  મલેશિયા, ફિલિપિન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, કજાકિસ્તાન, ઈઝરાયલ, જોર્ડન વગેરે દેશ સામેલ છે. જેમાં કેનેડા, યુરોપ, મેક્સિકો, પાકિસ્તાન સહિત કુલ છ દેશોએ આંશિક રૂપથી કાયદા બનાવતા 10 ટકા ટેરિફની જોગવાઈ છે જ્યારે ભારત, ચીન, રશિયા સહિતના બાકીના દેશો ઉપર 12.5 ટકા વધારાનો ટેરિફ લગાડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક