• ગુરુવાર, 04 જૂન, 2026

મમતાના હાથમાંથી સરકી ટીએમસી ? બાગી જૂથને સ્પીકરે માની અસલી પાર્ટી

બાગી જૂથના ઋતબ્રત બેનરજીને નેતા પ્રતિપક્ષ તરીકે સ્પીકરે આપી માન્યતા

કોલકાતા, તા. 3 : પશ્ચિમ બંગાળમાં હાર બાદ મમતા બેનરજીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે અને હવે પક્ષ જ હાથમાંથી સરકે તેવા સંકેતો સામે આવ્યા છે. એક ઘટનાક્રમમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રવીન્દ્ર નાથ બોસે ટીએમસીના બાગી નેતા ઋતબ્રત બેનરજીને નેતા પ્રતિપક્ષ તરીકે માન્યતા આપી છે. મમતા બેનરજીએ શોભનદેબ ચટ્ટોપાધ્યાયને નેતા પ્રતિપક્ષ ઘોષિત કર્યા હતા. જેના પરિણામે પક્ષમાં ખટરાગ ઉભો થયો હતો. 80માંથી 60 વિધાયકોએ શોભનદેબને નેતા પ્રતિપક્ષ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ ઋતબ્રત બેનરજીના નેતૃત્વમાં 60 વિધાયકોએ સ્પીકરની મુલાકાત કરીને કહ્યું હતું કે તેઓ અસલી ટીએમસી છે અને ઋતબ્રત બેનરજીને નેતા પ્રતિપક્ષની માન્યતા આપવામાં આવે. વિધાયકોની અપીલ ઉપર વિચાર કરતા સ્પીકરે ઋતબ્રત બેનરજીને  વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી હતી.

સ્પીકરે ઋતબ્રત બેનરજીને નેતા પ્રતિપક્ષની કચેરીની ચાવી પણ સોંપી હતી. ટીએમસીના આ જૂથમાં ચાર ઉપનેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા છે. જેમાં જાવેદ અહમદ ખાન, શબીના યાસ્મીન, શીલૂ સાહ અને સંદીપન સાહ સામેલ છે. અખરુઝમા સદનમાં ટીએમસીના ચીફ વ્હીપ રહેશે. સ્પીકરના નિર્ણયથી એક વાત સાબિત થઈ છે કે તેઓએ ઋતબ્રત બેનરજીની આગેવાનીની ટીએમસીને જ અસલી ટીએમસી માની છે. આ અગાઉ મમતા બેનરજીએ પક્ષ વિરોધી ગતિવિધિના કારણે ચૂંટણીનું પરિણામ આવતા જ ઋતબ્રત અને સંદીપન સાહને ટીએમસીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યાર બાદ ઋતબ્રત

બાગી બન્યા હતા.

નેતા પ્રતિપક્ષ ચૂંટાયા બાદ ઋતબ્રતે કહ્યંy હતું કે અત્યાર સુધીમાં 60 વિધાયકો તેમની સાથે છે. તેઓ વિપક્ષની ભૂમિકા ભજવશે અને સકારાત્મક રાજનીતિ કરશે. તેઓએ મમતા બેનરજીનો વિરોધ કરવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે તેમના નેતા મમતા બેનરજી જ છે અને તેઓ અપીલ કરે છે કે મમતા બેનરજી સલાહકારની ભૂમિકા ભજવે.

ઋતબ્રત બેનરજીએ કહ્યું હતું કે તેઓના નેતા મમતા બેનરજી છે અને તેઓ ટીએમસીમાંથી છે. તેઓ મમતા બેનરજીને અપીલ કરી છે કે તેઓ નિર્દેશક તરીકેની ભૂમિકા ભજવે. આગળ જરૂર પડશે તો તેઓ સરકારના ખરડાઓનો વિરોધ કરશે પણ ક્યારેય સદનમાંથી બહાર જશે નહી. તેઓ વિરોધ કરવાની સાથે સરકારની રચનાત્મક કાર્યવાહીની સરાહના પણ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક