• ગુરુવાર, 04 જૂન, 2026

દિલ્હીની હોટલમાં અગ્નિકાંડ : 21 ભડથું

માલવીય નગરની હોટલના રેસ્ટોરાંમાં લાગેલી આગે જોતજોતામાં પૂરી ઈમારતને ભરડો લીધો

57થી વધારે ઈજાગ્રસ્તો અલગ અલગ હોસ્પિટલમાં દાખલ : હોટલ સંચાલક ઉપર સાપરાધ માનવવધનો ગુનો

જીવ બચાવવા લોકો હોટલની બારી-ગેલેરીમાંથી કૂદ્યા : ઈમારત પાસે ફાયર એનઓસી નહોતું,

છ રૂમની મંજૂરી બાદ  25 રૂમ બનાવ્યા : ન્યાયિક તપાસનો આદેશ

નવી દિલ્હી, તા. 3 : દેશની રાજધાની દિલ્હી અગ્નિકાંડથી હચમચી ઉઠી છે. દિલ્હીના માલવીય નગરમાં આવેલી ફલોરિશ સ્ટે હોટલમાં બુધવારે ભીષણ આગ લાગવાના કારણે 21 લોકો ભડથું થયા હતા. મૃતકોમાં વિદેશી નાગરીકો પણ સામેલ છે. જેઓ બંગલાદેશ અને આફ્રિકી દેશોના હોવાનું  સામે આવ્યું હતું. દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક લોકો અનુસાર માલવીય નગરમાં આવેલી હોટલના રેસ્ટોરાંમાં સવારે 8.50 વાગ્યા આસપાસ આગ લાગી હતી અને જોતજોતામાં આગની લપેટો ઉપરના માળે આવેલા રૂમ અને બેઝમેન્ટ સુધી પહોંચી હતી. આ બનાવના હૃદય કંપાવતા વીડિયો અને તસવીરો સામે આવ્યા હતા. જેના અનુસાર આગથી બચવા માટે લોકોએ હોટલની બારીઓ અને ગેલેરીમાંથી નીચે પડતું મૂક્યું હતું. આગની ઘટનામાં બચાવ અભિયાન દરમિયાન 10 પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી.

આ મામલે ચીફ ફાયર ઓફિસર અભિલાષ મલિકે કહ્યું હતું કે, આગના બનાવ બાદ રેસ્ક્યૂ ઓપરેશનમાં 37 લોકોને બહાર લાવવામાં આવ્યા હતા. આ ઈમારત પાસે ફાયર એનઓસી નહોતું અને હોટલમાં કુલ 25 જેટલા રૂમો હતા. મળતી વિગત પ્રમાણે આગ છ માળની ઈમારતના ગ્રાઉન્ડ ફલોરમાં રહેલા બી-એન-બી રેસ્ટોરાંમાં લાગી હતી. થોડા જ સમયમાં આગ ઉપર સુધી પહોંચી હતી. કહેવાય છે કે હોસ્પિટલમાં ઈલાજ કરાવવા આવતા દર્દીઓના પરિજનો ફલોરિશ સ્ટે હોટલમાં રોકાતા હતા. બનાવમાં કુલ 57 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 9 વ્યક્તિની હાલત ગંભીર છે.

આગના બનાવ બાદ તપાસમાં સામે આવ્યું હતું કે ફલોરિશ સ્ટેને બેડ એન્ડ બ્રેકફાસ્ટના આધારે જ લાયસન્સ આપવામાં આવ્યું હતું. જેના હેઠળ કુલ છ રૂમથી મંજૂરી હતી. જો કે 25 રૂમ બનેલા હતા. આગ લાગ્યા બાદ હોટલના બેઝમેન્ટમાં પણ લોકો ફસાયા હતા. વધુમાં હોટલમાં બહાર (જુઓ પાનું 10)

અને અંદર જવાનો રસ્તો એક જ હતો અને તે પણ સાંકડો હોવાથી મુશ્કેલી વધી હતી.

બનાવ અંગે જવાબદારી  નક્કી કરવા ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ આગ લગાડવાની ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો. વધુમાં અધિકારીઓને ચેતવણી આપી હતી કે જો કોઈ ચૂક સામે આવશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી પોલીસે તપાસ બાદ કહ્યું હતું કે, હોટલનો માલિક લોકેશ બજાજ છે. હોટલને ત્રણ ભાગીદાર ચલાવતા હતા. જેઓની દિલ્હીમાં ઘણી હોટલ અને ગેસ્ટહાઉસ છે. આ બનાવમાં સાપરાધ માનવવધનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક