ખરીફ વાવણીમાં કપાસની આગેવાની, મગફળીના વાવેતરમાં પણ વધારો
રાજકોટ,
તા. 15: (ફૂલછાબ ન્યૂઝ) કપાસની આગેવાની હેઠળ ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં પ્રગતિ
નોંધાઇ છે. હજુ એકપણ વખત પ્રિમોન્સુન વરસાદ થયો નથી ત્યાં વાવેતર વિસ્તાર ઝડપભેર વધવા
લાગ્યો છે. જોકે ચાલુ વર્ષે અલનીનોની ખબરોને લીધે ખેડૂતોમાં ચિંતા છે છતાં અત્યારે
સૌ જોખમ લઇને વરસાદ વિનાનું અર્થાત આગોતરું વાવેતર કરવા લાગ્યા છે.
ગુજરાતભરમાં
15 જૂન સુધીમાં આગોતરા વાવેતરમાં નોંધાયેલા વિસ્તાર પ્રમાણે 4.27 લાખ હેક્ટરમાં વાવણી
થઇ ચૂકી છે. જે ગયા વર્ષમાં 3.41 લાખ હેક્ટર હતી. અત્યારે વાવેતર 25 ટકા વધારે દેખાઇ
રહ્યંy છે.
કપાસના
વાવેતર સૌરાષ્ટ્ર વિસ્તારમાં 1.59 લાખ હેક્ટર સુધી થઇ ગયા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં
41800 હેક્ટરમાં વાવેતર થયું છે. અલબત્ત બિયારણ ડિલરો પાસે બોલગાર્ડ કપાસની ખરીદી ખૂબ
પાંખી છે. ખેડૂતોએ મંજૂર ન થયું હોય તેવું
બિયારણ
ખરીદીને વાવેતર શરુ કર્યું છે. નવી ટેકનોલોજીનો અભાવ કપાસના ખેડૂતોને પજવે છે. મગફળી
જેવા મુખ્ય પાકમાં અત્યાર સુધીમાં 1.36 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષમાં
તે 1.22 લાખ હેક્ટર હતુ. વરસાદ ખેંચાય તો ખેડૂતોને ફેરવાવેતર કરવા પડે તેમ છે. મગફળીના
ઉંચા ભાવને લીધે ચાલુ વર્ષે પણ મગફળીનો દબદબો રહેવાનો છે. મગફળીનું બિયારણ ધૂમ વેંચાયું
છે અને કિસાનોએ પણ સારી મગફળી રાખી મૂકી હતી તેનું વાવેતર થયું છે.
આરંભિક
તબક્કે અત્યારે ડાંગરનું વાવેતર 2490 હેક્ટરમાં થયું છે. જ્યારે બાજરીનો વિસ્તાર
366 હેક્ટર રહ્યો છે. બન્ને પાકનું વાવેતર
હવે ધીરે ધીરે વેગ પકડશે. જોકે વરસાદ પડે તો પાકને ફાયદો થાય.
કઠોળમાં
તુવેરના વાવેતર સારાં થયા છે. ખેડૂતો કપાસથી થાક્યા હોય છે તે તુવેર અને સોયાબીન તરફ
પણ ઢળી રહ્યા છે. તુવેરમાં હાઇબ્રિડ વેરાઇટીઓથી ઉત્પાદન પણ સારું મળે છે એટલે કિસાનો
આકર્ષાય છે. તુવેરનો વિસ્તાર 600 હેક્ટર રહ્યો છે. ગયા વર્ષમાં 168 હેક્ટર હતુ. જ્યારે
સોયાબીનમાં 159 સામે 448 હેક્ટરમાં વાવણી થઇ શકી છે. સફેદ તલનું વાવેતર 147 હેક્ટર
અને એરંડાનું 338 હેક્ટરમાં વાવેતર થયું છે. એરંડાના વાવેતર તેજીને કારણે વધવાની સંભાવના
બતાવાય રહી છે. જોકે એરંડાનું વાવેતર છેક સપ્ટેમ્બર સુધી થતું હોય છે.