ભાજપ સાથે સંકળાયેલા અગ્રણીના પરિવારના સભ્યો સહિતના લોકોનાં નામનો વીડિયો વાયરલ
(ફૂલછાબ
ન્યુઝ)
વડિયા,
તા.14 : અમરેલી જિલ્લાના વડિયા ગામમાં વર્ષો જૂના રસ્તાના વિવાદે એક ખેડૂતનો ભોગ લીધો
હોવાનો કરુણ બનાવ સામે આવ્યો છે. ખેડૂત મનસુખભાઈ જીણાભાઈ સોજીત્રાએ પોતાની વાડીએ જવાના
રસ્તાને લઈને ચાલતા વિવાદ અને સતત હેરાનગતિથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનું
સામે આવ્યું છે.
મનસુખભાઈએ
આત્મહત્યા પહેલાં એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તેમણે રસ્તો
બંધ કરવા અને હેરાનગતિ માટે કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. ઝેરી દવા પીધા બાદ
તેમને વડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ગોંડલ લઈ જવાયા
હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
ખેડૂતના
મૃત્યુ બાદ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. મૃતકના પરિવારજનોએ
ચાર લોકો સામે ગુનો નોંધવાની માગ કરી હતી પરંતુ લાંબી ચર્ચા-વિચારણા અને રાતભરની કાર્યવાહી
બાદ પોલીસે માત્ર બાલાભાઈ મનજીભાઈ સોજીત્રા અને તેમના પુત્ર ભાવેશ સોજીત્રા સામે જ
ગુનો નોંધ્યો હતો. અન્ય બે નામ ફરિયાદમાં સામેલ ન થતા પરિવારજનોએ રાજકીય દબાણ હેઠળ
કાર્યવાહી થતી હોવાના આક્ષેપ કર્યા હતા.
મૃતદેહ
સાથે પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને તમામ જવાબદારો સામે કાર્યવાહી
કરવાની માગ કરી હતી. ઘટનામાં ભાજપ સાથે સંકળાયેલા અગ્રણીના પરિવારનાં સભ્યોનાં નામ
ચર્ચામાં આવતા જિલ્લાભરના પોલીસ અધિકારીઓ વડિયા દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મામલો વિસ્તારમાં
ચર્ચાનો વિષય બન્યો છે. મૃતકના પરિવારને સંપૂર્ણ ન્યાય મળશે કે નહીં તેમજ અન્ય નામો
સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તે અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો
છે.