• સોમવાર, 15 જૂન, 2026

લોકરક્ષક કેડરની પરીક્ષામાં બંધારણ સંબંધિત પ્રશ્નોનું પ્રમાણ વધુ, કરંટ અફેર્સનું ઓછું રહ્યું ગણિત, રીઝાનિંગ અને ગુજરાતી કોપ્રિહેન્શનના પ્રશ્નો લાંબા અને સમય માગી લે તેવા રહ્યા

12,733 જગ્યા માટે 2.40 લાખ ઉમેદવારે આપી પરીક્ષા

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, રાજકોટ, તા.14 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે આજે રાજ્યભરમાં યોજાયેલી મેગા લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદ સહિતના સાત શહેરોમાં આવેલી કુલ 879 શાળા-કોલેજોમાં પરીક્ષા યોજાઈ હતી. શારીરિક કસોટીમાં સફળ થયેલા 2,63,345 ઉમેદવારોમાંથી આશરે 2.40 લાખ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા, જે 91 ટકાની નોંધપાત્ર હાજરી દર્શાવે છે.

પરીક્ષાના સુચારૂ આયોજન માટે શિક્ષણ વિભાગના આશરે 17 હજાર અને પોલીસ વિભાગના 9 હજાર અધિકારી-કર્મચારીઓએ ફરજ બજાવી હતી. ઉપરાંત 19 આઈપીએસ અધિકારીઓએ સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન કર્યું હતું. દરેક પરીક્ષા કેન્દ્રના વર્ગખંડોમાં ઈઈઝટ કેમેરા દ્વારા સતત રેકોર્ડિંગ અને લાઈવ મોનિટારિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. 200 ગુણની એમસીક્યુ આધારિત આ પરીક્ષા સવારે 9:30થી બપોરે 12:30 વાગ્યા દરમિયાન યોજાઈ હતી.

ઉમેદવારોના પ્રતિભાવ મુજબ પેપરનું સ્તર મધ્યમ રહ્યું હતું. પાર્ટ-એમાં ગણિત, રીઝાનિંગ અને ગુજરાતી કોપ્રિહેન્શનના પ્રશ્નો અપેક્ષા કરતાં લાંબા અને સમય માંગી લે તેવા રહ્યા હતા. ખાસ કરીને પઝલ્સ અને તાર્કિક પ્રશ્નોએ ઉમેદવારોની સમય વ્યવસ્થાપનની કસોટી લીધી હતી. પાર્ટ-બીમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ અને કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાયા હતા. ભારતીય બંધારણ સંબંધિત પ્રશ્નોનું પ્રમાણ વધુ રહ્યું હતું, જ્યારે કરંટ અફેર્સના પ્રશ્નો અગાઉની પરીક્ષાઓની સરખામણીએ ઓછા જોવા મળ્યા હતા. સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો મુખ્યત્વે GCERT અને NCERTના અભ્યાસક્રમ આધારિત હતા.

ભરતી બોર્ડે જણાવ્યું છે કે, ઉમેદવારોની ઓએમઆર શીટની સ્કાનિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી 24 કલાકમાં ભરતી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો 29 જૂન સુધી પોતાની ઓએમઆર શીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા વિશ્લેષકોના મતે મેરિટ 110થી 120 ગુણની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાવનગર : ગુજરાત પોલીસ ભરતી-2026ની પરીક્ષા આપવા ભાવનગર આવેલા ઉમેદવારો માટે કોળી સેનાએ હાદાનગર સ્થિત તળપદા કોળી જ્ઞાતિ વાડી ખાતે નિ:શુલ્ક રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી હતી. રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના માર્ગદર્શન અને યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકીની પ્રેરણાથી યોજાયેલી આ સેવાકીય પહેલને ઉમેદવારો, વાલીઓ અને સમાજના આગેવાનો દ્વારા વ્યાપક પ્રશંસા મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક