• શુક્રવાર, 19 જૂન, 2026

ગોંડલના જામવાડીની ફેક્ટરીમાંથી ભેળસેળિયા મસાલાનો રૂ.1.11 કરોડનો જથ્થો ઝડપાયો

જિલ્લા ફૂડ વિભાગે નમૂનાઓ એકત્ર કરી વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલ્યા

ફૂડ લાયસન્સ અને નિયમનકારી મંજૂરીઓ વિના ફેક્ટરી ચાલતી હતી

રાજકોટ,તા.18 : જિલ્લાના ગોંડલ પંથકના જામવાડી ગામે જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી ભેળસેળિયા મસાલાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મળેલી બાતમીના આધારે અધિકારીઓએ એક મસાલા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફેક્ટરી જરૂરી ફૂડ લાયસન્સ અને નિયમનકારી મંજૂરીઓ વિના ચાલતી હતી. સ્થળ પરથી મરચું, ધાણાજીરું તેમજ અન્ય વિવિધ પ્રકારના મસાલાનો અંદાજે રૂ.1.11 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જથ્થો ભેળસેળયુક્ત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી મસાલાના નમૂનાઓ એકત્ર કરી વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલ્યા છે. સાથે જ સમગ્ર જથ્થો જપ્ત કરીને ફેક્ટરીને તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવી છે. અધિકારીઓએ ઉત્પાદન પ્રક્રિયા, કાચા માલના સ્ત્રોત અને વિતરણ વ્યવસ્થાની પણ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેપારમાં સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ વિભાગે જણાવ્યું છે કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ કરનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક