નવી હવાઈ સેવાને લીધે પ્રવાસન ક્ષેત્રને મળશે લાભ : યાત્રીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને થયું સ્વાગત
(ફૂલછાબ ન્યુઝ)
પોરબંદર, તા. ર7: પોરબંદરના સર્વાંગી
વિકાસ અને દેશના મુખ્ય શહેરો સાથે ઝડપી હવાઈ સંપર્ક સુનિશ્ચિત કરવા માટે એલાયન્સ એર
દ્વારા મુંબઈ-પોરબંદર, કેશોદ, અમદાવાદ રૂટ પર નવી હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો
છે. આ સેવા દ્વારા પોરબંદરને મુંબઈ અને અમદાવાદ જેવા મહત્ત્વપૂર્ણ શહેરો સાથે સીધી
અને વધુ સુવિધાજનક હવાઈ કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે,જે જિલ્લાના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ
સાબિત થશે.
આ નવી હવાઈ સેવા શરૂ કરવામાં પોરબંદરના સાંસદ અને
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમત-ગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના
સતત પ્રયાસો અને માર્ગદર્શન સાથે પોરબંદરના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત સ્થાનિક આગેવાનોના સંકલિત પ્રયાસોનું મહત્ત્વપૂર્ણ
યોગદાન રહ્યું છે.
નવી ફ્લાઇટ સેવાના પ્રારંભ નિમિત્તે પોરબંદર એરપોર્ટ
ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી
અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્લાઇટનું ઉષ્માભર્યું સ્વાગત
કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રથમ મુસાફરી કરતા યાત્રીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને
શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
નવી હવાઈ સેવા શરૂ થતાં પોરબંદરના
ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોને નવી દિશા
મળશે. વેપારીઓને ઝડપી વ્યવસાયિક અવરજવર, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સરળ મુસાફરી, દર્દીઓને
આરોગ્ય સેવાઓ સુધી ઝડપથી પહોંચવાની સુવિધા તેમજ પ્રવાસીઓને પોરબંદરના ઐતિહાસિક અને
ધાર્મિક સ્થળોની મુલાકાત વધુ સરળ બનશે.
પોરબંદરના વિકાસના માર્ગે આ નવી
હવાઈ સેવા એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે. તેનાથી પોરબંદરને વિકસિત અને આધુનિક શહેર
તરીકે નવી ઓળખ મળશે.