વીજબચતને પ્રોત્સાહન આપવા ‘કડક’ માર્ગદર્શિકા જાહેર કરતી રાજ્ય સરકાર
અમદાવાદ
તા.26 : ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષા તરફ એક મોટું કદમ ઉઠાવતા ગુજરાત સરકાર
દ્વારા રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં એક વ્યાપક વીજબચત અભિયાનનો સત્તાવાર પ્રારંભ
કરાયો છે. ‘ગ્રીન એનર્જી’ને પ્રોત્સાહન આપવા
તેમજ વીજળીનો વ્યય અટકાવવા સરકાર દ્વારા તમામ સરકારી વિભાગો અને કર્મચારીઓ માટે એક
નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તમામ વિભાગોને આગામી 45 દિવસની અંદર
પોતાનો ઓફિસ એનર્જી એફિશિયન્સી પ્લાન તૈયાર કરીને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી- ‘ગેડા’ને
સબમીટ કરવાનો રહેશે.
નવી
ગાઇડલાઇન મુજબ, હવેથી રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં એર કંડીશન (એસી)નું ડિફોલ્ટ તાપમાન
ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે. ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ અથવા કર્મચારી
પોતાની સીટ પરથી ઉભા થાય ત્યારે લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર ફરજિયાતપણે બંધ રાખવાની
કડક સૂચના આપવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે વહીવટી પગલા લેવામાં આવશે.
આ ઉપરાંત
તમામ સરકારી કચેરીઓમાં જૂની પરંપરાગત લાઈટો બદલીને વીજળી બચાવતી આધુનિક એલઈડી લાઈટો લગાડવામાં આવશે, ભવિષ્યની ખરીદીમાં
ફાઈવ સ્ટાર રેટીંગવાળા સાધનોને જ પ્રાથમિકતા અપાશે. રાત્રે 12 થી સવારે 4 વાગ્યા સુધીના
ઓછા ટ્રાફિકવાળા સમયે પ્રાયોગિક ધોરણે એકાંતરે
પોલની લાઈટો બંધ કરવામાં આવશે.
આ ઉપરાંત
કચેરી સમય બાદ સાંજે 6 વાગ્યા પછી વોટર કૂલર બંધ રાખવા તેમજ સવારે 9 વાગ્યા પછી જ ચાલુ
કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, બહુમાળી મકાનોમાં લિફ્ટનો ઉપયોગ ઘટાડી અને સીડીનો
ઉપયોગ થાય તે પ્રકારે જાગૃતિ માટે પોસ્ટર લગાડાશે. દિવસ દરમિયાન સુર્યપ્રકાશ મળતો હોય
તો ઓછી લાઈટનો વપરાશ કરી શકાય તે માટે પ્રયાસો હાથ ધરાશે.
વિવિધ
સરકારી કચેરીઓમાં સોલાર પેનલ સિસ્ટમ લાગી શકે તેવી ખુલ્લી જગ્યા મળતી હોય તો લગાડવા
માટેનું જરૂરી આયોજન કરવાનું રહેશે. કચેરીના કોરિડોર્સ, મીટીંગ રૂમ, પાર્કિંગ અને શૌચાલયોમાં
આપમેળે કામ કરતા ઓક્યુપન્સી સેન્સર્સ તેમજ ટાઈમર આધારિત ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ સ્થાપિત
કરાશે. જે અભિયાનમાં જે કચેરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેને પ્રોત્સાહિત કરીને સન્માનિત
પણ કરાશે.