• શનિવાર, 27 જૂન, 2026

કરુણાંતિકા : રાજપરામાં માતાએ 4 માસની દીકરી સાથે અગ્નિસ્નાન કર્યું

સારવાર દરમિયાન બન્નેના મૃત્યુ; આત્મહત્યાનું કારણ અકબંધ

FSL સહિત પોલીસે શરૂ કરી ઊંડાણપૂર્વકની તપાસ

તળાજા, તા.26 : તળાજા તાલુકાના રાજપરા (જૂના) ગામમાં આજે સવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. 26 વર્ષીય પરિણીતા દક્ષાબેન અરાવિંદભાઈ ભાલિયાએ પોતાની ચાર માસની પુત્રી ત્રિશાને સાથે રાખી અગ્નિસ્નાન કરતાં બન્ને ગંભીર રીતે દાઝ્યા હતા. બન્નેને તાત્કાલિક બન્નેને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન માતા અને માસૂમ દીકરી બન્નેનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ ઘટના સવારે આશરે 8:30 વાગ્યે બની હતી. તે સમયે પતિ અરાવિંદભાઈ ઘર બહાર શેરીમાં બેઠા હતા, જ્યારે સાસુ ગામમાં મરણોત્તર વિધિમાં ગયા હતા. પાંચ વર્ષના લગ્નજીવનમાં દંપતીને બે દીકરીઅ હતી. દક્ષાબેનનું પિયર ગોપનાથ નજીકનું હોવા છતાં તેમનો પરિવાર લાંબા સમયથી રાજપરા ગામમાં જ રહેતો હોવાથી પિયર અને સાસરિયું બન્ને એક જ ગામમાં હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગુરુવારે રાત્રે ઘરે મહેમાનો આવ્યા હતા અને દક્ષાબેને સૌ માટે ભોજન પણ બનાવ્યું હતું. તે સમયે તેમના વર્તનમાં કોઈ અસામાન્ય બાબત જણાઈ નહોતી. મહિલાના મોસાળ પક્ષે પણ હાલ સુધી કોઈ પ્રકારનો આરોપ નોંધાવ્યો નથી. દાઠા પોલીસે ઘટનાસ્થળે એફએસએલની મદદથી પુરાવા એકત્ર કર્યા છે અને મૃતદેહોનું ભાવનગર ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ચાર માસની દીકરી સાથે આવું અંતિમ પગલું શા માટે ભરાયું તે હવે પોલીસ તપાસનો કેન્દ્રાબિંદુ બન્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક