બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પવનની દિશા બદલાઈ, 29 જૂનથી વરસાદની ગતિવિધિ વધશે
અમદાવાદ,
તા.26: ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન
સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય
ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે, આ સમયગાળા
દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ અતિભારે કે તોફાની વરસાદની કોઈ શક્યતા નથી.
આગામી
એક સપ્તાહ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, એટલે કે તાપમાન
અત્યારે જે સ્તરે છે તે જ સ્તરે યથાવત રહેશે. સામાન્ય રીતે વરસાદ પડતાં ગરમીમાં ઘટાડો
થતો હોય છે, પરંતુ આ વખતે સામાન્ય વરસાદની સિસ્ટમ હોવાથી બફારા અને ગરમીનું પ્રમાણ
જળવાઈ રહેશે. દરમિયાનમાં આજે રાજ્યના વિવિધ શહેરોના મહત્તમ તાપમાન પર નજર નાખતા જણાય
છે કે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાજકોટમાં 39.8,
બરોડામાં 39, ડીસામાં 39.6, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન
વિભાગના મતે હાલમાં બે શક્તિશાળી સિસ્ટમ કાર્યરત છે. પ્રથમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
મધ્ય પાકિસ્તાન અને ઉત્તર રાજસ્થાનની સરહદે જમીનથી 1.5 કિમીની ઊંચાઈએ સક્રિય છે જ્યારે
બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશના દક્ષિણ-પૂર્વ ભાગ પર બનેલું છે, જ્યાંથી
ઉત્તર ગુજરાત થઈને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર સુધી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. આ સિસ્ટમોને
કારણે રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે.
હવામાન
નિષ્ણાતના અનુસાર હાલમાં અલનીનોની અસરને કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી
રહ્યું છે.આગામી દિવસોમાં ધીમે ધીમે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને તેના કારણે
વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે.રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં તબક્કાવાર વરસાદ
શરૂ થશે. શરૂઆતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ 29 જૂનથી 7 જુલાઈ
વચ્ચે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના
અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. વધુમાં બંગાળનો ઉપસાગર સક્રિય બનવાની શક્યતા
છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે ગુજરાત તરફ ભેજયુક્ત પવનોનું પ્રમાણ વધશે, જેના કારણે
વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ
ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેશે.