• મંગળવાર, 30 જૂન, 2026

ઘઉંનું 48 લાખ ટનનું ઉત્પાદન સરકારી ખરીદી માત્ર 2 ટકા ! ઘઉંની ખરીદી 1.15 લાખ મેટ્રિક ટનને વટાવી, જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટ,તા.29: લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી પૂર્ણ થઇ છે. ઘઉંના નીચાં ભાવ છતાં સરકાર તરફથી ગુજરાતમાં માંડ એકાદ લાખ ટન જેટલા ઘઉં ટેકાના ભાવથી ખરીદવામાં આવ્યા છે. ઘઉંનો ટેકાનો ભાવ મણે રૂ. 517 નક્કી કરવામાં આવ્યો છે.જોકે ખૂલ્લા બજારમાં સરેરાશ રૂ. 450-470 વચ્ચે ભાવ રહેતા હતા એટલે કિસાનોએ સરકારને એકાદ લાખ ટન ઘઉં આપ્યાં છે.

ઘઉંનું ઉત્પાદન ગુજરાતમાં 48 લાખ ટન થવાનો અંદાજ સરકારે છેલ્લાં આગોતરા અંદાજમાં વ્યક્ત કર્યો હતો. એ પૈકી માત્ર 2 ટકા ઘઉં ખરીદવામાં આવ્યા છે. અલબત્ત મોટાંભાગના કિસાનોને ટેકાનો ભાવ પણ પસંદ ન હતો એટલે ઘઉંમાં તેજીની આશાએ સાચવી રાખવામાં આવ્યા છે. ગુજરાતના સત્તાવાર આંકડાઓ પ્રમાણે પુરવઠા નિગમે 1,15,531 ટન ઘઉંની ખરીદી કરી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 19,682.90 ટન ઘઉંની ખરીદી નોંધાઈ છે. બીજા ક્રમે દેવભૂમિ દ્વારકામાં 13,592.35 ટન, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 10,252.55 મેટ્રિક ટન ખરીદી થઈ છે.

સરકારે અગાઉ 15મી મે સુધી ખરીદી ચાલુ રાખી હતી. જોકે તે લંબાવીને 15 જૂન સુધી કરવામાં આવ્યા છતાં નિગમને ખાસ જથ્થો મળ્યો નથી. એક ફ્લોર મિલર કહે છે, સરકારી કેન્દ્રો પર વેંચવામાં ખેડૂતોને રસ જ ન હતો. ખૂલ્લા બજારમાં વેંચીને ખેડૂતોએ રોકડી કરી લીધી છે. સક્ષમ ખેડૂતોએ ઘઉં સાચવ્યા છે એ તેજીની રાહમાં છે. જોકે ઘઉંનો વિરાટ જથ્થો દેશમાં ઉપલબ્ધ છે એવા સંજોગમાં હવે વરસાદની તંગી પ્રભાવ પાડી શકે છે. માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ સરેરાશ રૂ. 465-510 સુધી ચાલે છે.

બીજી તરફ ઉનાળુ બાજરીની સરકારી ખરીદી અત્યારે ચાલી રહી છે. ગુજરાતભરમાં 51 હજાર ટન સુધી ખરીદી પહોંચી ચૂકી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ ખરીદી થતા કુલ જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે.

પુરવઠા વિભાગે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 8,457.25 ટનની ખરીદી કરી છે. વાવ-થરાદ વિસ્તારમાં 8,668.40 ટન અને ખેડા જિલ્લામાં 5,247.80 ટન ખરીદી કરી છે.  બાજરીની ખરીદી હજુ 15 જુલાઇ સુધી થવાની છે. સરકાર અગાઉ 2 હજાર કિલો પ્રતિ ખેડૂત ખરીદી કરવાની હતી પણ તે બાદમાં વધારીને 3500 કિલો કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ઉનાળુ બાજરીનું ઉત્પાદન વધારે થયું છે ત્યારે જથ્થો વધવાથી ખેડૂતોને લાભ મળશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક