• શનિવાર, 18 જુલાઈ, 2026

લીલિયા પંથકમાં વોંકળામાં પૂર આવતા શાળા સંચાલક બાઈક સાથે તણાયા, મૃત્યુ

ક્ષ          ભોરીંગડાની શાળાના સંચાલક બાઈક સાથે એક કિલોમીટર સુધી પાણીમાં ખેંચાયા : સાથે રહેલા પ્રિન્સિપાલનો બચાવ

અમરેલી, તા. 16: અમરેલી જિલ્લામાં આજે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અચાનક અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લીલિયાના ક્રાકચ નજીક આવેલા બાવળો ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદીના વોંકળામાં અચાનક પૂર આવ્યું હતું. આ દરમિયાન ભોરીંગડા સ્થિત નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતા તેમનું  મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેમની સાથે રહેલા શાળાના પ્રિન્સિપાલનો બચાવ થયો હતો.

આ બનાવમાં મળતી માહિતી મુજબ જગદીશ રંગપરા બાઇક લઈને સ્કૂલ તરફ આવી રહ્યા હતા. ત્યારે વોંકળામાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. ભારે પાણીના પ્રવાહના કારણે તેઓ બાઇક સહિત પાણીમાં તણાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ તેમને અને બાઇકને અંદાજે એક કિલોમીટર જેટલા અંતર સુધી ખેંચી ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરાતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનામાં બાઇક પર સાથે રહેલા નાલંદા સ્કૂલના પ્રિન્સિપાલનો સદ્ભાગ્યે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. અચાનક આવેલા પૂરના કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.   (જુઓ પાનું 8)

 

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મૃતક જગદીશ રંગપરાના મૃતદેહને લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

અચાનક આવેલા પૂરના કારણે બનેલી આ ઘટનાએ સમગ્ર લીલીયા પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદી-નાળા અને વોંકળાઓમાં પાણીનો પ્રવાહ વધી જતાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક