15થી 29 વર્ષના યુવાનોમાં બેરોજગારી દર 16.2 ટકા
નવી
દિલ્હી, તા. 17 : મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા
જાહેર કરવામાં આવેલા પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના આંકડા અનુસાર, દેશમાં યુવાનોમાં
બેરોજગારીમાં મોટો ઉછાળો આવ્યો હોવા છતાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે
ભારતનો એકંદર બેરોજગારી દર જૂન મહિનામાં 5.5 ટકા પર સ્થિર રહ્યો છે.
જૂન
મહિનામાં 15થી 29 વર્ષની વયજૂથના યુવાનોમાં બેરોજગારીનો દર વધીને 16.2 ટકા થઈ ગયો છે.
એપ્રિલ 2025થી શરૂ થયેલી વર્તમાન સર્વે શ્રેણીમાં આ સૌથી ઊંચો આંકડો છે. અગાઉ મે મહિનામાં
યુવા બેરોજગારી 15.9 ટકા અને જૂન 2025માં 15.3 ટકા નોંધાઈ હતી.
યુવાનોમાં
બેરોજગારી મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં વધી છે, જ્યાં જૂન મહિનામાં આ દર મે મહિનાના
17.5 ટકાથી વધીને 18.2 ટકા થયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 15.1 ટકા પર સ્થિર
રહ્યો છે.
જૂન
મહિનામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનાં વલણો અલગ-અલગ જોવા મળ્યાં હતાં.
શહેરી ભારતમાં એકંદર બેરોજગારી દર અગાઉના મહિનાના 6.4 ટકાથી વધીને જૂનમાં 6.6 ટકા થયો
છે.
જ્યારે
ગ્રામીણ ભારતમાં તે મે મહિનાના 5.1 ટકાના એક વર્ષના ઉચ્ચ સ્તરથી થોડો ઘટીને જૂનમાં
5.0 ટકા થયો છે.
15
વર્ષ અને તેથી વધુ વયની મહિલાઓ માટેનો બેરોજગારી દર પણ વધીને 5.9 ટકાની રેકોર્ડ સપાટીએ
પહોંચ્યો છે, જે મે મહિનામાં 5.6 ટકા હતો. પુરુષો માટે બેરોજગારીનો દર મે મહિનાના
5.4 ટકાથી થોડો ઘટીને જૂનમાં 5.3 ટકા થયો છે. કામ કરતા અથવા કામની શોધમાં હોય તેવા
લોકોની ટકાવારી દર્શાવતો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જૂન મહિનામાં 54.4 ટકા પર યથાવત્
રહ્યો છે. આ દર શહેરી વિસ્તારો (50.1 ટકા)ની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં 56.6 ટકા
સાથે વધુ નોંધાયો છે.