• શનિવાર, 18 જુલાઈ, 2026

રાજ્યના પાંચ તાલુકા હજુ કોરા ધાકોર

 

સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકામાં સીઝનનો અત્યાર સુધીમાં 1.07 ટકા

 

ગાંધીનગર, તા.17: રાજ્યભરમાં ચોમાસાની સીઝનના બીજા રાઉન્ડમાં મેઘરાજની પધરામણી શરૂ થઈ છે આમ છતાં આ વખતના ચોમાસાએ સૌની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 જિલ્લામાં સીઝનનો 10% સુધીનો વરસાદ થયો નથી એટલું જ નહીં રાજ્યમાં વાવણી લાયક વરસાદ માત્ર 84 તાલુકામાં જ નોંધાયો છે. રાજ્યના ડિઝાસ્ટર કંટ્રોલરૂમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આજે તારીખ 17મીની સવારના 6:00 વાગ્યા સુધીમાં 5 તાલુકા સાવ કોરા ધાકોર છે. આ પૈકી કચ્છના 4 તાલુકા જેમાં અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકો સાવ કોરો ધાકોર આ ચોમાસાની સીઝનમાં રહેવા પામ્યો છે.

 

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે

 

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા. 17: હવામાન વિભાગે ફરી એક વાર ગુજરાત માટે સારા વરસાદની આગાહી કરી છે. જે અનુસાર 23 જુલાઈ એટલે કે સળંગ સાત દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હળવોથી ભારે વરસાદી માહોલ સર્જાયો હતો. સુરતમાં સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં રસ્તા પરથી પાણી ફરી વળ્યા હતા. જ્યારે વલસાડના કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.  આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 57થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં 4 કલાકમાં 3 ઇંચથી વધુ, નવસારીના ખેરગામમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ, ભાવનગર, ડાંગના વઘઈ, વલસાડના ધરમપુર, પારડી સહિતના તાલુકામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ ફરી સક્રિય થયો છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી 23 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

 

ભાવનગરમાં દોઢ, ગિરનારમાં એક ઇંચ વરસાદ

 

 

અઠવાડિયાના વિરામ બાદ બીજા રાઉન્ડની શરૂઆત થતાં બફારાથી રાહત; બોટાદમાં ધીમીધારે આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

 

રાજકોટ તા.17: અઠવાડિયાના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર, બોટાદ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ફરી પધરામણી કરતા વાતાવરણમાં ખુશનુમા ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે.

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. આજે બપોરે ભાવનગર શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર દોઢ ઇંચ (36 મી.મી.) વરસાદ તુટી પડ્યો હતો. આ સિવાય ઘોઘા પંથકમાં 9 મી.મી. અને જેસર પંથકમાં પણ બપોરે 9 મી.મી. વરસાદ નોંધાયો હતો.

બોટાદ : શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને સમગ્ર પંથક વરસાદી માહોલમાં ગરકાવ થઈ ગયો હતો. આ વરસાદ ખરીફ પાક માટે ખૂબ જ લાભદાયી નીવડશે તેવી અપેક્ષા સાથે જગતનો તાત હરખાયો છે.

જૂનાગઢ : સોરઠના હવામાનમાં પણ છેલ્લા થોડા દિવસોથી પલટો જોવા મળી રહ્યો છે. આજે સવારે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ગિરનારમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને વંથલીમાં પણ જોરદાર વરસાદી ઝાપટું પડતાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક