રાજકોટ, તા. 16: ભૂગોળની દૃષ્ટિએ કચ્છ જિલ્લો ભારતના સૌથી સંવેદનશીલ ગણાતા ’ભૂકંપ ઝોન-5’ માં આવે છે. આ વિસ્તારમાં જમીનની અંદર પ્લેટોની હલચલને કારણે સમયાંતરે હળવાથી મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહે છે, ત્યારે આજે અષાઢી બીજે, કચ્છના નવા વર્ષે જ ભૂકંપના બે આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ગુરુવારે બપોરે માત્ર
3 મિનિટના ગાળામાં ભૂકંપના 2 આંચકા આવ્યા હતા. આજે અષાઢી બીજ એટલે કે કચ્છી સમુદાયના
નવા વર્ષના પાવન પર્વે જ ધરતી ધ્રૂજી ઊઠતાં તહેવારના માહોલ વચ્ચે લોકોમાં ભયનો માહોલ
ફેલાયો હતો. બપોરના સમયે અચાનક આવેલા આ કંપનને કારણે લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને
ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનો પ્રથમ
આંચકો બપોરે 2:20 વાગ્યે અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી.
આ ભૂકંપનું કેન્દ્રાબિંદુ ખાવડાથી ઉત્તર-પૂર્વ
દિશામાં આશરે 32 કિલોમીટર દૂર જમીનની અંદર નોંધાયું હતું.
પહેલા આંચકાના માત્ર 2 મિનિટ બાદ એટલે કે બપોરે
2:22 વાગ્યે ફરી એકવાર ધરતી ધ્રૂજી હતી. આ બીજો આંચકો ઐતિહાસિક પ્રવાસન સ્થળ ધોળાવીરા
નજીક નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રાબિંદુ
ધોળાવીરાથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં આશરે 32 કિલોમીટર દૂર હતું.
રાહતની
વાત એ છે કે બંને આંચકા મધ્યમ તીવ્રતાના હોવાથી જિલ્લામાં ક્યાંયથી પણ જાનહાનિ કે કોઈ
મોટી ઇમારતને નુકસાન થયાના અહેવાલ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન
વિભાગ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.