• શનિવાર, 18 જુલાઈ, 2026

વધુ 5 આતંકી ઝડપાયા

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકીઓએ સિદ્ધપુર પાસે અવાવરુ જગ્યાઓએ કર્યા હતા બોમ્બ બ્લાસ્ટના ટેસ્ટ, કુલ ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો

 

અમદાવાદ તા.17: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ એક બહુ મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ પાંચ આતંકીઓની સિદ્ધપુર, વડગામ અને ભરૂચમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ ઓપરેશન હેઠળ કુલ ધરપકડ કરાયેલા આતંકીઓનો આંકડો તેર પર પહોંચી ગયો છે. તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે કે  પકડાયેલા આતંકીઓ છેલ્લા ત્રણ વર્ષથી આઈઈડી અને ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે સિદ્ધપુર આસપાસના 8 અલગ-અલગ અવાવરુ સ્થળોએ બ્લાસ્ટના પરીક્ષણો (ટેસ્ટ) પણ કર્યા હતા. બ્લાસ્ટ માટે તેઓ એવી જગ્યાઓ પસંદ કરતા હતા જેથી અવાજ સામાન્ય લોકો સુધી ન પહોંચે અને તેમનો પ્લાન ગુપ્ત રહે. ઝડપાયેલા આતંકીઓ પાસેથી બોમ્બ બનાવવાની માર્ગદર્શિકા, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર જેવા કેમિકલ્સ તેમજ ‘અકેલા મુઝાહિદ જેહાદ કૈસે કરે’ નામનું પુસ્તક અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. એટીએસના જણાવ્યા અનુસાર, કુલ આતંકીઓમાંથી બે આરોપીઓએ જમ્મુ-કાશ્મીર જઈને એકે-47 રાઇફલ ચલાવવાની તેમજ ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસ તૈયાર કરવાની પદ્ધતિ અંગે તાલીમ લીધી હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરીને એટીએસ દ્વારા વધુ પૂછપરછ માટે 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

 

ઝડપાયેલા પાંચ આરોપી

બિલાલ આબીદભાઈ શેરા (24 વર્ષ): રહે. સિદ્ધપુર (હાલ રહે. કઠવાડા, અમદાવાદ)

મોહમ્મદ ઐયુબ કડીવાલ (22 વર્ષ): રહે. સિદ્ધપુર, પાટણ

મોહમ્મદ ઐયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (20 વર્ષ): રહે. સિદ્ધપુર (હાલ રહે. ભરૂચ મદ્રેસા)

શફી રઈસ મુખી ઉર્ફે શફી છાપી (21 વર્ષ): રહે. વડગામ, બનાસકાંઠા (હાલ રહે. દાભેલ મદ્રેસા)

મોહમ્મદહસન હનીફભાઈ કરડીયા ઉર્ફે હસન હૈદરપુરી (20 વર્ષ): રહે. સરસ્વતી, પાટણ (હાલ રહે. ભરૂચ મદ્રેસા)

 

યુવાનોને આતંકવાદ તરફ ધકેલવા ‘દાવત’નું આયોજન 

આરોપીઓ માત્ર પોતે જ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા નહોતા, પરંતુ મદ્રેસાઓમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પણ આ સંગઠન સાથે જોડવા માટે બ્રેઈનવોશ કરતા હતા. આ માટે તેમણે ત્રણ વખત ‘દાવત’ (બેઠકો) યોજી હતી અને તમામ સંવાદો એક્રિપ્ટેડ સોશિયલ મીડિયા એપ્લિકેશન પર કોડવર્ડમાં થતા હતા. આ ઉપરાંત તેઓ જેહાદી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને સ્થાનિક યુવાનોમાં વહેંચતા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક