અમેરિકા-સુરતમાં મોટો વેપાર ધરાવતા ધીરૂ રામાણીના છુટકારા માટે 100 કરોડની ખંડણી મગાઈ, ત્રણ મહિના પહેલાની ઘટનામાં 44 કરોડ આપતા છુટકારો
રાજકોટ,
તા. 16: સુરતના અને હાલ અમેરિકા સ્થાયી થયેલા મોટા ગજાના હીરા ઉદ્યોગકાર 75 વર્ષીય
ધીરૂભાઈ રામાણીનું આફ્રિકાના માલી દેશમાં અપરહણ થયું હતું. સૂત્રોમાંથી જાણવા મળ્યા
અનુસાર આતંકી જૂથ અલ કાયદા સાથે સંકળાયેલા તત્ત્વોએ તેમનું અપહરણ કરી 100 કરોડની ખંડણી
માગી હતી. છેવટે 4 મિલિયન યુરો, એટલે કે 44 કરોડ રૂપિયા જેટલી ખંડણી ચુકવતા તેમનો અપહરણકારોની
ચુંગાલમાંથી છુટકારો થયો હતો.
ધીરુ રામાણીની ન્યૂયોર્ક સિટીમાં ‘રામાણી એક્સપોર્ટ’
નામની પેઢી, ડાયમંડ ફેક્ટરી તેમજ સીબીડી ડાયમંડ અને જ્વેલરીના શો રૂમ્સ આવેલા છે જ્યારે
સુરતમાં પણ તેમનું ડાયમંડનું મોટું નેટવર્ક કાર્યરત છે. તેના પુત્રો આંતરરાષ્ટ્રીય
સ્તરે હીરા બજારમાં મોટું નામ ધરાવે છે.
અપહરણની
આ ઘટના ત્રણ મહિના પહેલા બની હતી. આ સમયે તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો, જેમાં
એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન પણ હતો. અપહરણની આ ઘટના સામે આવતા જ વિદેશમાં
વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતા
વ્યાપી ગઈ હતી.
થોડા
વર્ષો પહેલા જ ધીરૂભાઈ રામાણીએ હિરા ઉદ્યોગ છોડી પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં સોનાની
ખાણકામના પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું હતું. અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક
કટ્ટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂપિયા 100 કરોડની ખંડણીની
માંગણી કરી હતી.
ધીરૂભાઈ
રામાણીનો પરિવાર પરંપરાગત રીતે વર્ષોથી સુરત અને વૈશ્વિક સ્તરે હીરાના વેપાર સાથે સંકળાયેલો
છે. જો કે, થોડા વર્ષો પહેલા તેમણે આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામના પ્રોજેક્ટમાં
મોટું રોકાણ કર્યું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી માલીમાં જ ગ્રાઉન્ડ લેવલ પર રહીને આ
આખા માઇનિંગ પ્રોજેક્ટનું કામકાજ જાતે સંભાળી રહ્યા હતા. આ દરમિયાન જ કોઈ અજ્ઞાત લોકેશન
પરથી તેઓ ગુમ થઈ ગયા હતા.
આ સમગ્ર
મામલે ધીરૂ રામાણીના એક નજીકના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અમારી પાસે
ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો
કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અમે અમારી રીતે જ આખી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો
હતો. આમાં કોઈ સરકારી તંત્ર કે વિદેશ મંત્રાલયને સામેલ કર્યા નથી.