• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને હવે 400 ટકાથી પણ વધુ વળતર ચૂકવાશે

નવી ખછઈ નીતિ હેઠળ મોરબીમાં પ્રથમ વખત પારદર્શક રીતે ભાવ નક્કી; વેગડવાવના 9 ખેડૂતને રૂ.14.57 લાખના બદલે રૂ.58.61 લાખ મળશે

(ફૂલછાબ ન્યુઝ)

મોરબી,તા.14 ટ્રાન્સમિશન લાઇનના કામથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયી અને યોગ્ય વળતર મળી રહે તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ હેઠળ પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (એમઆરસી)ની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખેડૂતો, કંપનીના પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં ભાવ નિર્ધારણની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સરકારના તા.4 જુલાઈ-2026ના નવા ઠરાવ મુજબ ભાવ નક્કી કરવા માટે કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅરો દ્વારા આપવામાં આવેલા બંધ કવરોમાંથી લોટરી પદ્ધતિથી બે ચિઠ્ઠીઓ પસંદ કરવામાં આવી હતી. રીતે વેગડવાવ ગામના આશરે 15 સર્વે નંબરોના ભાવ પારદર્શક રીતે નક્કી કરવામાં આવ્યા હતા.

નવી એમઆરસી પદ્ધતિથી ખેડૂતોને અગાઉની સરખામણીએ 400 ટકાથી વધુ વળતર મળવાપાત્ર બન્યું છે. વેગડવાવ ગામના સર્વે નંબર 150 પૈકી 9ના કિસ્સામાં જૂની ડીએલવીસી પદ્ધતિ હેઠળ પ્રતિ ચોરસ મીટર રૂ.979ના દરે 85 ટકા મુજબ રૂ.14.57 લાખ વળતર મળવાપાત્ર હતું. જ્યારે નવી ખછઈ કમિટીએ પ્રતિ ચોરસ મીટર રૂ.1,945નો ભાવ નક્કી કરતાં 200 ટકા મુજબ હવે ખેડૂતને રૂ.58.61 લાખ ચૂકવાશે. ઉપરાંત ટ્રાન્સમિશન લાઇનની કામગીરી દરમિયાન થયેલા પાક નુકસાનનું વળતર પણ નિયમો મુજબ અલગથી ચૂકવવામાં આવશે. નવી પારદર્શક પદ્ધતિથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી છે. આગામી સમયમાં પણ પદ્ધતિથી ભાવ નક્કી કરવામાં આવશે અને ખેડૂતોને એમઆરસી પ્રક્રિયામાં જોડાવા જિલ્લા તંત્રએ અપીલ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક