બ્લડ પ્રેશર અને હૃદયરોગની બોગસ દવાઓ વેચાતી ઃ ક્રાઈમ બ્રાન્ચ અને એફડીસીએના સંયુક્ત દરોડા
અમદાવાદ, લખનૌ અને કચ્છ સહિતના સ્થળોએથી નકલી દવાઓનો જથ્થો કબજે કરી 3 શખસની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.27ઃ નકલી ઘી, તેલ, બટર અને પનીર બાદ હવે નકલી દવાઓનું બજાર પણ ફૂલ્યુંફાલ્યું છે. અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું નકલી દવાનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું છે. બ્લડ પ્રેશર અને હ્રદયરોગની બોગસ દવાનું ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ કરાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)એ સંયુક્ત કાર્યવાહી કરી નકલી બ્લડ પ્રેશરની દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બીપી અને હૃદયરોગની દવાનું અન્ય રાજ્યમાં ઉત્પાદન થતું હોવાની આશંકાએ સેવાઈ રહી છે. હાલમાં અમદાવાદના એક વેપારી તથા લખનૌના બે શખસો સહિત ત્રણની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.
આ આરોપીઓ જાણીતી કંપનીના નામ, લેબલ અને બેચ નંબરનો ગેરકાયદે ઉપયોગ કરીને ‘િનકાર્ડિયા રિટાર્ડ 10’ નામની
દવાનો નકલી સ્ટોક બજારમાં વેચી રહ્યા હતા. નકલી દવાનો જથ્થો ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પહોંચાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અમદાવાદના પાલડી સ્થિત પાર્શ્વ મેડિકલ એજન્સી મારફતે આ સ્ટોક આવ્યો હતો, જે મૂળ
ઉત્તર પ્રદેશના લખનૌની સેના મેડિકલમાંથી સપ્લાય થયો હતો. નડિયાદના એક મેડિકલ સ્ટોરમાંથી 30 સ્ટ્રીપ
તથા નવકાર મેડિકલ એજન્સી અને ભુજની મહાદેવ મેડિકલ એજન્સીમાંથી પણ નકલી દવાનો સ્ટોક કબજે કરાયો છે. કચ્છમાં મળેલો જથ્થો જયપુરની એ.વી.આર. મેડિકોઝમાંથી સપ્લાય થયો હોવાનું ખુલ્યું છે.
પોલીસે આ રેકેટમાં અમદાવાદના હોલસેલ વેપારી દર્શીલ સંઘવી તેમજ લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે. દર્શીલ સંઘવી નકલી દવાઓ સબ-િડસ્ટ્રીબ્યુટર્સને વેચતો હતો, જ્યારે દેવેન્દ્ર અને ઉમંગ દવા સપ્લાય કરીને કમિશન મેળવતા હતા. નોંધનીય છે કે દેવેન્દ્ર અને ઉમંગ અગાઉ પુણેના ડુપ્લિકેટ દવા કેસમાં પકડાઈ ચૂક્યા છે. પોલીસે ઉત્પાદન કરનારા અન્ય સૂત્રધારોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
અંકલેશ્વરની જેબી કેમિકલ્સ એન્ડ ફાર્મા દ્વારા ડ્રગ્સ વિભાગને એક ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ મુજબ કંપનીની હૃદયરોગ અને બ્લડ પ્રેશરના રોગમાં વપરાતી દવા નિકાર્ડિયા રિટાર્ડ 10 (એમજી)નું લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ.માંથી ડુપ્લિકેટ વેચાણ થઈ રહ્યું હતું. ડમી ગ્રાહક મોકલી નકલી દવાનું સેમ્પલ મેળવાયું હતું અને બાદમાં બેચ નંબર મેચ ન થતાં અલગ અલગ સ્થળે દરોડા પાડી બોગસ જથ્થો જપ્ત કરાયો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ માલમે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ગુજરાતમાં સંખ્યાબંધ સ્ટોર્સમાં તપાસ કરાતા દવા વિતરણનું પગેરું લખનૌમાંથી મળ્યું હતું. લખનૌમાંથી આશરે 36 હજાર
ટેબ્લેટ અર્થાત 3,600 સ્ટ્રીપનું
વેચાણ બહાર કરાયું હતું. જે પૈકી ગુજરાતમાં 2,700 જેટલી
સ્ટ્રીપનું વેચાણ થયું હોવાનું જણાયું છે. આ બોગસ દવાનું ઉત્પાદન ઉત્તરાખંડમાં થતું હોવાની આશંકાએ ક્રાઈમ બ્રાન્ચની બે ટીમને તાત્કાલિક રવાના કરાઈ છે.