અમેરિકાની આર્થિક વિનાશની ધમકી સામે ઈરાનનો પલટવાર ઃ ભૂકંપ જેવો શક્તિશાળી જવાબ અપાશે
નવી દિલ્હી, તા.27ઃ ઊર્જાનાં કારોબારમાં દુનિયા જેનાં ઉપર સૌથી વધુ નિર્ભર છે તેવા હોર્મુઝ જળમાર્ગમાં હવે જહાજને પસાર થવા માટે ટેક્સ-ટોલ વસૂલવાનો નિર્ણય કરનાર ઈરાન અને ઓમાન હવે આમાંથી થતી આવકમં પોતાની હિસ્સેદારી માટે પણ સહમત થઈ ગયા છે. બીજીબાજુ અમેરિકાએ ઈરાનનાં અર્થતંત્રની કમર ભાંગી નાખવાની હાથ ધરેલી તૈયારીનાં જવાબમાં ઈરાને આખી દુનિયાને હચમચાવતી ધમકી આપી છે અને કહ્યું છે કે, અમેરિકાને ઈરાન ભૂકંપ જેવો ભયાનક જવાબ આપશે.
હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી ઈરાન શુલ્ક વસૂલવાનું છે. ઈરાની સંસદે આનાં માટેનાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધેલી છે. જે દેશોનાં જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ રહેશે તેની પાસેથી ઈરાન ટેક્સની વસૂલાત કરશે. ઈરાની રિવોલ્યુશ્નરી ગાર્ડ્સ કોર્પ્સ(આઈઆરજીસી)એ કહ્યું છે કે, ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝનાં પાણી અને તેમાંથી થનારી કમાણીનાં વિભાજન માટે સહમતી સાધી લેવામાં આવી છે. જો કે આ સમજૂતી પછી પણ હોર્મુઝ ખોલવાનો નિર્ણય અમેરિકાની પ્રતિક્રિયા ઉપર નિર્ભર રહેવાનો છે. ઈરાનનાં એલાન મુજબ હોર્મુઝમાંથી કોઈપણ દેશનાં સૈન્ય જહાજોને પસાર થવાની અનુમતિ નહીં હોય.
બીજીબાજુ અમેરિકાનાં ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે કહ્યું હતું કે, અમેરિકાનાં પ્રતિબંધોથી બચવા માટે ઈરાને આટલા વર્ષોમાં જે કોઈપણ નેટવર્ક બનાવ્યું છે તેને નિશાન બનાવવામાં આવશે. હવે નવી પાબંદીઓ ડિજીટલ અસ્કયામતો, ટેકનોલોજી અને શિપિંગ સેક્ટરમાં ઈરાનનાં કારોબારી ભાગીદારો ઉપર લગાડવામાં આવશે. અમેરિકાની આ ધમકીનો જવાબ આપતાં ઈરાનનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમે લાંબા સમયથી શતરંજ તો રમતા જ હતાં અને હવે પોકર પણ શીખી ગયા છીએ. અમેરિકાને જેનો અંદાજ પણ નહી હોય તેવો શક્તિશાળી જવાબ આપવામાં આવશે.