મોંઘા
ગેસ અને વૈશ્વિક યુદ્ધોની અસરથી 50થી વધુ ફેક્ટરીઓને તાળાં
મોરબી,તા.23:
(ફૂલછાબ ન્યૂઝ) ગેસના વધતા જતા ભાવને લીધે મોરબીના સિરામિક ઉદ્યોગની સ્થિતિ બગડી ગઇ
છે. મોરબીમાં વિશ્વ સ્તરનો સિરામિક ઉદ્યોગ વિકાસ પામ્યો છે પણ ગેસના ભાવના આકરાં ડામ
લાગવાને લીધે ઉદ્યોગ કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઉદ્યોગકારો કહે છે, ગેસના ભાવે
ઉદ્યોગની કમર ભાંગી નાંખી છે.
ઉદ્યોગમાં
વપરાતા ગેસના ભાવ દિવસે ને દિવસે વધતા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ વધી છે. નેચરલ ગેસ
અને પ્રોપેન ગેસ મોરબી સીરામીક ઉદ્યોગની કરોડરજ્જુ અને મહત્વની જરૂરિયાત છે ત્યારે
ઈરાન - અમેરિકા યુદ્ધની સીધી અસર રૂપે છેલ્લા ચાર મહિનાથી ગેસના ભાવમાં સતત વધારો થતાં
મુશ્કેલી અનુભવાય છે. સિરામિક ઉદ્યોગ રશિયા અને યુક્રેન યુદ્ધની અસરમાંથી માંડમાંડ
બેઠો થઇ રહ્યો હતો ત્યાં ઈરાન - અમેરિકા યુદ્ધ થતા સિરામિક ઉદ્યોગના હદય સમાન ગેસની
સપ્લાઈ બંધ થયા પછી ઉત્પાદન બંધ કરી ચૂક્યો હતો. હવે ગેસ મળતો થયો છે પણ ભાવ વધી ગયા છે.
યુધ્ધ
પહેલા નેચરલ ગેસના ભાવ પર ક્યુબીક મીટર 42 રૂપિયા હતા. ગેસ નહિ મળવાને કારણે મોરબીના
સિરામિક ઉદ્યોગકારો એ પોતાની ફેકટરીઓ બંધ રાખી હતી અને મેં મહિનાથી ઉત્પાદન શરુ કર્યું
હતું. ગેસનો ભાવ જુલાઈ મહિનામાં 77 થયો હતો. ઓગસ્ટમાં 89 અને હાલ સપ્ટેમ્બરમાં 98 રૂપિયા
આસપાસ છે. પ્રોપેન ગેસ યુધ્ધ પહેલા 56 રૂપિયે કિલોગ્રામ મળતો. થોડા સમય માટે પ્રોપેન
ગેસ મળતો બંધ થઇ ગયો હતો. બાદમાં ઓગસ્ટ માસમાં ગેસ મળતા તેના ભાવ 85 રૂપિયા થઇ ગયા
હતા અને હાલ 98 રૂપિયા પ્રોપેન ગેસનો ભાવ છે. આમ સતત વધી રહેલા ગેસના ભાવના કારણે સિરામિક
ફેકટરીઓ ચલાવવી મુશ્કેલ બની છે. યુધ્ધને કારણે ડોમેસ્ટિક માર્કેટમાં 25 ટકા જેટલો ઘટાડો
માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કંપનીઓ સો ટકા એક્ષ્પોર્ટ કરે છે તેઓ માર્કેટની
પરિસ્થિતિ ને કારણે પોતાની મેળે ફેક્ટરી બંધ કરી રહ્યા છે.યુદ્ધના કારણે અત્યાર સુધીમાં
50 જેટલી ફેકટરીઓ બંધ થઇ હોવાની માહિતી સિરામિક એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંધાતે
આપી હતી
સિરામિક
ઉદ્યોગની અસર પેપરમિલ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. પેપરમિલ એસોસિએશનના પ્રમુખ શૈલેશ
પટેલ જણાવે છે કે યુદ્ધની સ્થિતિના પગલે વેસ્ટ પેપરના ભાવમાં પણ વધારો આવ્યો છે જે
પહેલા 18 રૂપિયાના ભાવે મળ્યું હતું જે વધીને 24 રૂપિયા થયા છે તો ઇન્ડોનેશિયા કોલસોનો
ભાવ વધારો આવ્યો છે જેમાં 2000 થી વધુ નો ભાવ વધારો આવતા પેપરમિલ ઉદ્યોગ મંદીના માહોલ
માંથી પસાર થઇ રહ્યો છે.વેસ્ટ પેપર અને કોલસાના ભાવ વધારો તેમજ સિરામિક ઉદ્યોગ પણ મંદીમાંથી
પસાર થતા પેપરમિલ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે.પેપરમિલ ઉદ્યોગનું એક્સપોર્ટ પણ હાલમાં
યુધ્ધના કારણે થપ થઇ ચુક્યું છે તો ઓર્ડર મળતા પણ બંધ થયા છે. નિકાસમાં કન્ટેનર ભાડાનો
પ્રશ્ન પણ મોટો છે.
મોરબીથી
ટાઈલ્સ મંગાવતા દેશો હવે સ્પેન, ઇટલી અને ચાઈના તરફ વળ્યા છે.મોરબીના ઉદ્યોગકારોનું
સ્પષ્ટ માનવું છે કે જો આવીજ રીતે ગેસના સતત ભાવ વધતા રહેશે તો આવનારા દિવસોમાં પરાણે
તેઓએ પોતાની ફેકટરીઓ બંધ કરવી પડશે.