નિયુક્તિની પ્રક્રિયામાં મુખ્ય ન્યાયમૂર્તિને સામેલ કરવાની માગ : મામલો હવે બંધારણીય બેન્ચને મોકલાયો
ચૂંટણીપંચ સ્વતંત્ર દેખાવું પણ જોઈએ : બે મત વચ્ચે જસ્ટિસ દત્તાનું મોટું નિવેદન
નવી દિલ્હી, તા. 23 : ચૂંટણી કમિશનરોની નિયુક્તિની પ્રક્રિયામાં મુખ્ય ન્યાયમૂર્તિને સામેલ કરવાની માંગ કરતી અરજી પર ફેંસલામાં સુપ્રીમ કોર્ટમાં બે મત સામે આવ્યા હતા. દરમ્યાન ખંડપીઠનું નેતૃત્વ કરતા જસ્ટિસ દીપાંકર દત્તાએ મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે, ચૂંટણીપંચનું સ્વતંત્ર હોવું પૂરતું નથી, પરંતુ સ્વતંત્ર દેખાવું પણ જોઈએ. કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એસ.સી. શર્માએ આ મામલે પોતાના અલગ-અલગ મંતવ્યો આપ્યા હતા, જેના પગલે હવે આ મામલો બંધારણીય બેન્ચને મોકલવામાં આવ્યો છે.
અગાઉ, ન્યાયાધીશ દીપાંકર દત્તા, જે બેન્ચનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમણે કેન્દ્રની દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે, અરજીઓ બંધારણીય મહત્ત્વના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ઊભા કરે છે અને તેને પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચને મોકલવા જોઈએ.
જો કે, બેન્ચના અન્ય જજ, જસ્ટિસ સતીશચંદ્ર શર્મા, જસ્ટિસ દત્તાના મંતવ્ય સાથે અસંમત હતા. જો કે, બંને જજ સંમત થયા કે આ મામલો વહીવટી સ્તરે મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ રજૂ કરવો જોઈએ, જેથી અસરકારક અને અધિકૃત નિર્ણય માટે પૂરતી શક્તિ ધરાવતી બેન્ચની રચના કરી શકાય. ત્યારબાદ, જો કે, બંને જજ સંમત થયા કે આ મામલો વહીવટી સ્તરે મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ રજૂ કરવો જોઈએ, જેથી અસરકારક અને અધિકૃત નિર્ણય માટે પૂરતી શક્તિ ધરાવતી બેન્ચની રચના કરી શકાય.
ન્યાયાધીશ દીપાંકર દત્તાએ શરૂઆતમાં જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશનરોની નિમણૂકને નિયંત્રિત કરતો 2023નો કાયદો સ્વતંત્ર પસંદગી પ્રક્રિયા સુનિશ્ચિત કરતો નથી. ન્યાયાધીશ દત્તાએ જણાવ્યું હતું કે, પસંદગી સમિતિમાં વડાપ્રધાન દ્વારા નિયુક્ત વ્યક્તિ પાસેથી વડાપ્રધાનને સોંપણી કરવાની અપેક્ષા રાખી શકાય નહીં. તેમણે કહ્યું, ‘કેબિનેટ મંત્રીઓનો સમાવેશ એ સ્વતંત્ર સંતુલન બનાવતો નથી જે નિષ્પક્ષ પસંદગીકાર પ્રદાન કરશે. આ પ્રક્રિયા મોટાભાગે એક બનાવટી રહી છે.’
ન્યાયાધીશ દત્તાએ વધુમાં ટિપ્પણી કરી, ‘મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સંપૂર્ણપણે સ્વતંત્ર ચૂંટણીપંચ પર આધાર રાખે છે. ચૂંટણીપંચ માટે સ્વતંત્ર હોવું પૂરતું નથી, તે સ્વતંત્ર દેખાય તે પણ જરૂરી છે.’
SIR કવાયત : ચૂંટણી પંચ માંહે મતભેદોનો ઘટસ્ફોટ
નવીદિલ્હી, તા.23 : દેશનાં લોકતંત્રનાં સૌથી મોટા પર્વ ચૂંટણીના નિયામક અને પહેરેદાર ચૂંટણી પંચ પાસેથી સામાન્ય રીતે તટસ્થતા અને એક સૂર-તાલમાં નિર્ણય અને અભિપ્રાયની અપેક્ષા રાખવામાં આવે છે. જો કે ત્રણ સદસ્યની બનેલી આ બંધારણીય સંસ્થા-વ્યવસ્થામાં તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાતા નથી. જૂન 2025થી દેશમાં બિહારથી શરૂ થયેલી મતદાર યાદીની વિશિષ્ટ ગહન સુધારણા(સર) કવાયતમાં 30 રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશોમાં મુસદ્દા મતદાર યાદીમાંથી 13 કરોડ નામો કમી કરવામાં આવ્યા છે. આનાં માટે જારી થયેલા આદેશો અને નિર્ણયોમાં વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી) જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સંધુ અને વિવેક જોશીમાંથી સંધુ અને જોશીએ 10 માસમાં 14 વખત સત્તાવાર રીતે પોતાના વાંધા નોંધાવ્યા હતા. આ ચોંકાવનારા ખુલાસાએ વિવાદાસ્પદ બનેલી આ સમગ્ર પ્રક્રિયા મુદ્દે ફરી એકવાર રાજકીય ઘમસાણ મચાવી દીધું છે. વિપક્ષો દ્વારા ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ અને સીઇસી પદેથી જ્ઞાનેશ કુમારને હટાવવાની માગણી માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જેને પગલે ચૂંટણી પંચ દ્વારા પણ ખુલાસા આપવામાં આવ્યા છે તો ભાજપે પણ કોંગ્રેસ સહિતનાં વિપક્ષો સામે ચૂંટણી પંચ ઉપર બેબુનિયાદ આક્ષેપો કરવાનો હુમલો બોલાવ્યો છે.
એસઆઇઆરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણીપંચની ભીતર જ એકથી વધુ વખત સવાલો ઉઠયા હતા. આ સવાલ બે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી તરફથી ઉઠાવાયા હતા. સરની પ્રક્રિયા ત્રણેય ચૂંટણી કમિશનરની દેખરેખમાં જ થઈ હતી પણ છેલ્લા 10 માસમાં 14 વાર અધિકૃત રીતે બન્ને દ્વારા અનેક નિર્ણયો અને આદેશો સામે વાંધો નોંધાવવામાં આવેલો. આ વાંધા ચૂંટણી પંચનાં મુખ્ય કાર્ય સંબંધિત હતાં. જેમાં નવા મતદારની નોંધણી, મતદાર યાદીમાંથી નામ હટાવવા અને ફરીથી જોડવા, સરની પ્રક્રિયામાં મતદારનું નામ પૂર્વવત્ કરવના આદેશો સામે અપીલ અને આખી મતદાર યાદીની સુરક્ષા સંબંધિત હતા. આ તમામ વાંધાની નકલો સીઇસી જ્ઞાનેશ કુમારને પણ મોકલવામાં આવી હતી. આવી જ એક લેખિત આપત્તિમાં ચૂંટણી કમિશનર સુખબીર સંધુ એ ફરિયાદ કરી હતી કે, પંચે બે કમિશનરની લેખિત સલાહની વિરુદ્ધ કામ કર્યું અને દાવો કર્યો હતો કે, આ પગલું અનધિકૃત અને ગેરકાનૂની હતું. આ ઉપરાંત જોશી અને સંધુએ કેબિનેટ સચિવને અલગ-અલગ પત્ર લખીને કામનાં વિભાજનમાં કરવામાં આવેલા બદલાવોની ફરિયાદ પણ કરી હતી. આ બદલાવોથી મતદાર યાદી માટે આઇટી સિસ્ટમનાં નિરીક્ષણનું એક સ્તર જ ખતમ થઈ ગયું હતું. બન્નેએ સ્પષ્ટ કહ્યું હતું કે, આ બદલાવ તેમની જાણકારી બહાર થયા હતા અને તેમણે આને રદ કર્યા હતા.
મીડિયામાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા પછી પંચે સ્પષ્ટતામાં કહ્યું હતું કે, બન્ને કમિશનરે મતદાર યાદીને ઠીક કરવાની કામગીરી દરમિયાન અલગ-અલગ રાજ્યોમાં મતદારના માહિતી સંગ્રહ સંબંધિત મુદ્દે ચિંતા દર્શાવવામાં આવી હતી. જો કે ચૂંટણી પંચના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું નથી. ઈતિહાસમાં અનેકવાર પંચના સદસ્યોના અભિપ્રાયમાં મતભેદ રહ્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે પંચ અને સરકાર ઉપર ધગધગતો હુમલો બોલાવતા કહ્યું હતું કે, મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવતા ભાજપ, સંઘ અને ચૂંટણી પંચે રાજદ્રોહ આચર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, આને દેશની વ્યવસ્થાનું અપહરણ અને બુલડોઝર ફેરવીને હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અદૃશ્ય હાથથી ચૂંટણીપંચમાં ઘાલમેલ થયાનો આરોપ મૂક્યો હતો. તો સીપીઆઇ-એમ દ્વારા પણ પંચની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આપનાં સંયોજક અરવિંદ કેજરીવાલે જ્ઞાનેશ કુમારની ધરપકડની માગણી કરી હતી.
આ વિપક્ષી ધોંસ સામે ભાજપ તરફથી સંબિત પાત્રએ પ્રતિક્રિયા આપતા જવાબી આક્રમણ ચલાવ્યું હતું અને કહ્યું હતું કે, 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારેથી દેશની જનતા વિપક્ષને નકારી રહી છે જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી દળો જનતાનું હૃદય જીતવામાં વિફળ રહ્યાં ત્યારે તેમણે બંધારણીય સંસ્થાઓ ઉપર સુનિયોજિત હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવીને વિપક્ષ વોટ ચોરીનો ભ્રામક પ્રચાર કરી રહ્યાં છે.